India

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી

By GS Team
22 May 20262 mins read
TukuTouch Logo
પેપર લીક કૌભાંડના છેડા હવે છેક પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના (NTA) આંતરિક માળખા સુધી પહોંચી ગયા છે. સીબીઆઈએ પુણેની એક કોલેજમાં ફરજ બજાવતી મહિલા લેક્ચરરની ધરપકડ કરીને દાવો કર્યો છે કે, તે ફિઝિક્સ ના પ્રશ્નપત્ર લીક થવાનો મુખ્ય સોર્સ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી
File Photo

NEET-UG 2026: પેપર લીક કૌભાંડના છેડા હવે છેક પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના (NTA) આંતરિક માળખા સુધી પહોંચી ગયા છે. સીબીઆઈએ પુણેની એક કોલેજમાં ફરજ બજાવતી મહિલા લેક્ચરરની ધરપકડ કરીને દાવો કર્યો છે કે, તે ફિઝિક્સ ના પ્રશ્નપત્ર લીક થવાનો મુખ્ય સોર્સ હતી.

કોણ છે આરોપી મનીષા હવલદાર?

પકડાયેલી આરોપી મનીષા સંજય હવલદાર પુણેની શેઠ હીરાલાલ સરાફ પ્રશાલામાં લેક્ચરર તરીકે કાર્યરત છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મનીષા હવલદારને NTA દ્વારા જ પરીક્ષા પ્રક્રિયા માટે ફિઝિક્સ વિષયના નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ જ કારણે તેની પાસે ફિઝિક્સના પ્રશ્નપત્ર સુધી સંપૂર્ણ એક્સેસ હતું.

કેવી રીતે આચર્યું કૌભાંડ?

CBIના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ મનીષા હવલદારે એપ્રિલ 2026 માં જ ફિઝિક્સ વિષયના કેટલાક મહત્વના પ્રશ્નો આ નેટવર્કની સહ-આરોપી મનીષા મંધારે સાથે શેર કરી દીધા હતા. મનીષા મંધારે પુણેની જ એક બોટની વિષયની શિક્ષિકા છે, જેની સીબીઆઈએ ગત 16 મેના રોજ ધરપકડ કરી લીધી હતી. ફોરેન્સિક અને ટેકનિકલ તપાસમાં સાબિત થયું છે કે, મનીષા હવલદાર દ્વારા લીક કરાયેલા પ્રશ્નો ઓરિજિનલ NEET-UG ના ફિઝિક્સના પેપર સાથે બિલકુલ મેચ થતા હતા. આ પ્રશ્નો ચોક્કસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

દેશભરમાં દરોડા અને અત્યાર સુધી 11 ધરપકડ

આ કેસના મૂળ સુધી પહોંચવા માટે સીબીઆઈએ દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ્સ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પેપર લીક નેટવર્ક અને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવતા વચેટિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતૂર અને અહલ્યાનગરથી કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

21 જૂને યોજાશે ફરીથી પરીક્ષા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 3 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાને પેપર લીકના ગંભીર આક્ષેપો બાદ 12 મેના રોજ રદ કરી દેવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે જ સીબીઆઈએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હવે આ મેડિકલ પ્રવેશ પરીક્ષા આગામી 21 જૂન 2026 ના રોજ ફરીથી આયોજિત કરવામાં આવશે.