Get The App

NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
NEET 2026 Paper Leak

Dinesh Binwal Arrest: રાજસ્થાનમાં NEET પેપર લીક મામલે ધરપકડ કરાયેલા આરોપી દિનેશ બિંવાલને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ પુરાવાઓ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ભાજપ કનેક્શન અને કોંગ્રેસના ગંભીર આક્ષેપો

કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા પર દિનેશ બિંવાલના કેટલાક પોસ્ટર અને તસવીરો શેર કરી છે, જેમાં તે ભાજપના નેતાઓ અને પક્ષના ઝંડા સાથે જોવા મળે છે. ટીકારામ જુલી દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં દિનેશ બિંવાલને 'ભાજપ યુવા મોરચા (BJYM), જયપુર જિલ્લા દેહાતનો જિલ્લા મંત્રી' દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે દિનેશ એક પેપર લીક માફિયા છે, જેણે ભાજપના સંરક્ષણ હેઠળ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે.

અશોક ગેહલોતે સરકારની મનશા પર ઉઠાવ્યા સવાલ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને પૂછ્યું છે કે શું આરોપી ભાજપનો હોદ્દેદાર હોવાને કારણે જ રાજસ્થાન સરકારે શરૂઆતમાં NEET પેપર લીકની ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો? તેમણે સવાલ કર્યો કે શા માટે 11 મે સુધી આ મામલે કોઈ FIR નોંધવામાં આવી ન હતી. ગેહલોતના મતે, હવે ભાજપની પોલ ખુલી ગઈ છે અને સરકાર પોતાના જ માણસોને બચાવવા માટે પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી છે.

30 લાખમાં પેપરની ખરીદી અને નેટવર્ક

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિનેશ બિંવાલે આશરે 30 લાખ રૂપિયામાં NEET 2026નું પેપર ખરીદ્યું હતું. પેપર ખરીદ્યા બાદ તેણે તેને વોટ્સએપ ગ્રુપ અને અન્ય ઉમેદવારો સુધી લાખો રૂપિયામાં પહોંચાડ્યું હતું. તપાસ મુજબ, દિનેશ કોચિંગ સંસ્થાઓ અને ઉમેદવારો વચ્ચે કડી તરીકે કામ કરતો હતો. પોલીસે જયપુર પાસેના જામવા રામગઢથી દિનેશ અને તેના ભાઈ માંગીલાલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: મણિપુરમાં ભારેલો અગ્નિ: શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા, નેશનલ હાઈવે 2 ચક્કાજામ

સીયાસી ગરમાવો અને ભાજપનું વલણ

આ મામલે રાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષ હવે સરકાર પાસે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અંગે જવાબ માંગી રહ્યો છે. બીજી તરફ, ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પક્ષના કેટલાક નેતાઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે અથવા ફોન કાપી રહ્યા છે. જોકે, પક્ષમાં એવી ચર્ચાઓ છે કે કાયદો તેનું કામ કરશે અને પક્ષ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી.