નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો
National Herald Case : દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મની લોન્ડ્રી દ્વારા 142 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે.
મિલકતો જપ્ત કરી, ત્યાં સુધી ગુનાની રકમનો આનંદ માણતા રહ્યા : એસ.વી.રાજૂ
ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ કોર્ટમાં દલીલ કરી છે કે, ‘નવેમ્બર-2023માં EDએ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલી 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી, ત્યાં સુધી કેસમાં સામેલ લોકો ગુનામાંથી મળેલી કમાણીનો આનંદ માણી રહ્યા હતા. ગાંધી પરિવારે ગુનામાંથી મળેલી રકમ મેળવીને માત્ર મની લોન્ડરિંગ કરવાની સાથે તે રકમ પોતાની પાસે રાખીને આ ગુનો ચાલુ રાખ્યો હતો.’
‘ગાંધી પરિવારે ગુનાની રકમ મેળવી મની લોન્ડ્રીગ કર્યું’
ઈડીએ દલીલ કરી છે કે, ‘નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર, સામ પિત્રોડા, સુમન દુબે અને અન્યો વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ કેસ સાબિત થઈ ગયો છે. ગાંધી પરિવારે ગુનાની રકમ મેળવી મની લોન્ડ્રીગ કર્યું. એટલું જ નહીં તે રકમ પોતાની પાસે રાખી ગુનો ચાલુ રાખ્યો.’
લોન, શેર અને કાવતરાનો ખેલ
નેશનલ હેરાલ્ડ કેસ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) વચ્ચે 90.25 કરોડ રૂપિયાની લોનથી શરૂ થાય છે. ઈડીનો આરોપ છે કે, આ લોન ફક્ત 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયન નામની કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેની પાછળ 2,000 કરોડ રૂપિયાની મિલકત પર કબજો કરવાનું કાવતરું હતું. કોર્ટે ઈડીને પૂછ્યું કે એજેએલની મિલકતનો વાસ્તવિક માલિક કોણ છે? શું શેરધારકો માલિકો છે? આ પ્રશ્નનો જવાબ જુલાઈની સુનાવણીમાં મળી શકે છે.
યંગ ઈન્ડિયન કંપની મોહરું કે માસ્ટરમાઇન્ડ?
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, યંગ ઈન્ડિયન એક મોહરું કંપની હતી, જેનો ઉપયોગ જાહેર દાનના પૈસા ખાનગી હિતમાં બદલવા માટે થતો હતો. એસ.વી. રાજુએ જણાવ્યું કહ્યું કે, સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના 76% શેર ધરાવે છે અને તેમણે 50 લાખ રૂપિયામાં 90.25 કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો મેળવ્યો હતો. EDનો દાવો છે કે આ છેતરપિંડીનો સ્પષ્ટ કેસ છે.
બચાવ પક્ષે શું કહ્યું ?
બચાવ પક્ષના વકીલો એ.એમ.સિંઘવી અને આર.એસ.ચીમાએ કોર્ટ પાસેથી સમય માંગ્યો છે. તેમણે દલીલ કરી છે કે, તેમને હાલમાં જ લગભગ 5000 પેજના દસ્તાવેજ મળ્યા છે અને કોર્ટ અને વકીલો માટે મે મહિનો ખૂબ જ વ્યસ્ત હોય છે, તેથી તેમને તૈયારી માટે જૂનના અંત સુધી અથવા જુલાઈના પહેલા અઠવાડિયા સુધીનો સમય આપવો જોઈએ.
બચાવ પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, આજે અમે EDની પ્રારંભિક દલીલો સાંભળવા માંગીએ છીએ, ત્યારબાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં કેસ આગળ ધપાવી શકાય છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ કેસની સુનાવણી સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ચાલી રહી છે, તેથી નિયમિત સુનાવણી જરૂરી છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરૂ થયો હતો. 2010માં યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરૂદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.