'મારો ફોન ટેપ થઈ રહ્યો છે...': રાહુલ ગાંધીનો PM મોદી પર મોટો આરોપ, ફરી કર્યો જાહેર ચર્ચાનો પડકાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'My Phone Is Being Tapped': Rahul Gandhi Challenges PM Modi to Debate, Suggests Adani or Bhagwat as Judge | કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનો ફોન ટેપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી' સેશન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ફરી એકવાર આમને-સામને જાહેર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે દાવો કર્યો છે કે જો બંને નેતાઓ વચ્ચે સીધી ચર્ચા થશે, તો તે પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર નહીં રહી શકે.
'મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને PM ટેપ કરાવી રહ્યા છે': રાહુલ ગાંધી
ઇન્સ્ટાગ્રામ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની પાસે અનેક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ અને પુરાવા છે. તેમણે આ મુદ્દે સીધું વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને વડાપ્રધાન ટેપ કરાવી રહ્યા છે. વન-ઓન-વન ચર્ચાથી એ સાબિત થઈ જશે કે વિદેશી તાકાતોના ઇશારે કોણ કામ કરી રહ્યું છે, દેશ વિરોધી કોણ છે અને ક્યારથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આવી બીજી ઘણી જાણકારીઓ પણ છે, જે મને ખબર છે અને મારા ફોનમાં છે.
સંસદમાં માઇક બંધ કરવાનો આરોપ
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો કે જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, ત્યારે તેઓ જાહેર ડિબેટ પર કેમ ભાર મૂકી રહ્યા છે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભામાં તેમને બોલવા દેવામાં આવતા નથી અને તેમનું માઇક બંધ કરી દેવામાં આવે છે.
'ગૌતમ અદાણી કે મોહન ભાગવતને જજ બનાવો, તો પણ મને કોઈ વાંધો નથી'
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ લાંબા ભાષણોવાળી ચર્ચા નથી ઇચ્છતા, પરંતુ એક એવી સીધી વાતચીત ઇચ્છે છે, જેમાં બંને નેતાઓ એકબીજા પર સીધા આરોપ લગાવી શકે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે વડાપ્રધાન મોદી એક તરફ બેસે અને તેઓ બીજી તરફ, અને બંને વચ્ચે સીધા સવાલ-જવાબ થાય. જો આ ચર્ચા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અથવા RSS પ્રમુખ મોહન ભાગવતને જજ બનાવવામાં આવે, તો પણ તેમને કોઈ વાંધો રહેશે નહીં.
હું ગેરંટી આપું છું કે મારી સાથે આમને-સામનેની ચર્ચા બાદ વડાપ્રધાન પદ પર નહીં રહે.
- રાહુલ ગાંધી
નોંધનીય છે કે રાહુલ ગાંધી આ પહેલાં પણ અનેકવાર વડાપ્રધાન મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર આપી ચૂક્યા છે.




