Mumbai Metro Accident : મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે બપોરે મેટ્રો નિર્માણ કાર્ય દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એલબીએસ રોડ પર જોનસન ઍન્ડ જોનસન કંપની નજીક નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા અને કાર પર ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે 4થી વધારે ઘાયલ થયા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીના અનુસાર, "પિલરનો એક સિમેન્ટ સ્લેબ તૂટીને ઓટોરિક્ષા પર ખાબક્યો હતો. જેના કારણે થ્રી વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. મેટ્રોની કામગીરી કરનારી કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર હાજર છે."
BMC એ શું કહ્યું?
દુર્ઘટના અંગે BMCનું કહેવું છે કે, આજે બપોરે 12.20 વાગ્યે જોનસન ઍન્ડ જોનસન કંપની, LBS રોડ, મુલુંડની નજીક મેટ્રો પિલરનો એક હિસ્સો ખાબક્યો હતો. કન્સ્ટ્રક્શન દરમિયાન સિમેન્ટ મેટ્રો પિલરનો એક હિસ્સો તૂટીને એક રિક્ષા પર ખાબક્યો હતો. મુંબઇ ફાયર બ્રિગેડ, પોલીસ, મેટ્રો સ્ટાફ, વૉર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર છે.
રિક્ષાનો કચ્ચરઘાણ, મુસાફરો ફસાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 12:20 વાગ્યે બની હતી. દુર્ઘટના સમયે રિક્ષામાં સવાર 3થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. પિલરનો હિસ્સો એટલો વજનદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
બચાવ કામગીરી અને ટ્રાફિક ડાયવર્ઝન
ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ, વૉર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હૉસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે. હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


