1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા

Mumbai Cyber Crime Case : સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાર્ટ ટાઈમ જોબ દ્વારા મસમોટી રકમ મેળવવાના ચક્કરમાં મહિલાએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. મુંબઈની રહેવાસી 26 વર્ષની મહિલાએ પાર્ટ ટાઈમ જોબ માટે ઓનલાઈન પોસ્ટ જોઈ હતી. પછી પોસ્ટ મુકનારા સાઈબર ઠગોના સંપર્કમાં આવી હતી, જેમાં તેણીએ સાત લાખ રૂપિયા ગુમાવવાની સાથે સોના-ચાંદી પણ ગીરવે મૂકવાની નોબત આવી છે.
કેવી રીતે ફસાઈ મહિલા ? પોલીસે આપી વિગત
ઘટના અંગે પોલીસે કહ્યું કે, મહિલાએ મોબાઈલ પર મોટી કમાણીવાળી પાર્ટ ટાઈમ જોબની જાહેરાત જોઈ હતી, તેમાં રીલ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ પર ક્લિક કરવાનો વિકલ્પ હતો, જેમાં તેણીએ જોબ આપનારાઓનો સંપર્ક કર્યો હતો, જેમાં તેણીને ટેલીગ્રામ ગ્રૂપમાં સામેલ કરાઈ હતી. આ દરમિયાન ઠગોએ ટેલીગ્રામ દ્વારા મહિલાને નોકરીની વિગતો આપી હતી અને કેટલીક લિંક પર ક્લિક કરવા પણ કહ્યું હતું. ત્યારબાદ મહિલાને મેસેજ મળ્યો હતો કે, તેણીને બેંક એકાઉન્ટમાં રૂપિયા આવી ગયા છે.
આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો
એકાઉન્ટમાં નાણાં આવતા જ મહિલા લલચાઈ
બેંક એકાઉન્ટમાં 1040 રૂપિયા આવતા જ મહિલા લલચાઈ ગઈ હતી. તેણીના વર્ચુઅલ વોલેટમાં 1040 રૂપિયા દેખાતા હતા અને આ રકમને તેણીએ ટ્રાન્સફર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે તે નિષ્ફળ ગઈ હતી, પછી ઠગોએ મહિલાને કેટલાક નાણાં ડિપોઝીટ કરવા કહ્યું હતું, જેમાં તેણીએ જુદા જુદા એકાઉન્ટમાં નાણાં પણ ડિપોઝિટ કરી દીધા હતા. ત્યારબાદ મહિલા ચિંતામાં મૂકાઈ ગઈ હતી અને તેણીએ સાયબર ઠગોને કોલ કરતા, તેણીને ફરી નાણાં જમા કરવાનું કહેવાયું હતું.
નાણાં પરત મેળવવાની ચિંતામાં સોનું-ચાંદી ગીરવે મૂકી દીધું
મહિલાએ ડિપોઝીટ કરેલા નાણાં પરત મેળવવા અનેક પ્રયાસો કર્યા હતા, જેમાં તેણીએ ઠગોને નાણાં આપવા માટે પરિવારનું સોનું-ચાંદી પણ ગીરવે મૂકી દીધું હતું. તેણીએ સોના-ચાંદીના મળેલા રૂપિયા પણ ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ઠગોએ કોન્ટેક્ટ નંબર બંધ કરી દીધો હતો, જેનાથી મહિલાને ખબર પડી કે, તે સાયબર ઠગનો શિકાર બની છે. છેતરાયા બાદ મહિલાએ ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત

