લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

Lawrence Bishnoi's brother Anmol brought to India : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવી દેવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાશે. અનમોલ બાબા સિદ્દિકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના હાઇપ્રોફાઇલ કેસમાં આરોપી છે.
200 ભારતીયો ડિપોર્ટ...
અમેરિકાએ 200 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. આ ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અને પંજાબના બે વોન્ટેડ ઉપરાંત 197 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે. આ વિમાન અમેરિકાથી ઉડાન ભરીને ભારત પહોંચ્યું છે.. આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓનો એક ભાગ છે. અગાઉ, ફેબ્રુઆરીમાં, અમેરિકાએ 200 થી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા.
દિલ્હીમાં લેન્ડ થયું વિમાન
અમેરિકાથી 200 લોકો સાથે ડિપોર્ટ કરીને ભારત લવાયેલો અનમોલ બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઉતર્યો હતો. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને ઍરપોર્ટથી સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવશે. અનમોલ બાબા સિદ્દિકી હત્યા કેસ, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં આરોપી છે.
18થી વધુ કેસ દાખલ છે અનમોલ સામે
ઉલ્લેખનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીએ મંગળવારે અનમોલ બિશ્નોઈને ભારત ડિપોર્ટ કર્યો હતો. NIA ટીમ દ્વારા અનમોલને ઍરપોર્ટ પર તરત જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડી લેશે. તેની સામે 18થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારો સપ્લાય અને લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.
NIAના અધિકારીએ આપી માહિતી
NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અનમોલ લોરેન્સ બિશ્નોઈનો મુખ્ય વિદેશી હેન્ડલર હતો. તે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ખંડણી, ધમકીઓ અને એસાઇનમેન્ટનું સંચાલન કરતો હતો. હવે તે કસ્ટડીમાં હોવાથી, ઘણા રહસ્યો ખુલશે."
કયા મોટા કેસોમાં છે આરોપી?
અનમોલ બિશ્નોઈની ધરપકડથી હવે ભારતમાં તેની સામે નોંધાયેલા અનેક મોટા કેસોની તપાસમાં વેગ આવશે. તેના પરના મુખ્ય આરોપો નીચે મુજબ છે.
બાબા સિદ્દિકીની હત્યા : મહારાષ્ટ્રમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં પણ તેની સંડોવણી હતી.
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ: તેણે જ આ હુમલાની જવાબદારી લીધી હતી અને તેને ‘ટ્રેલર’ ગણાવ્યું હતું.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ: તે આ હત્યાકાંડના મુખ્ય ષડયંત્રકારોમાંનો એક છે અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે.
ખંડણી અને ધમકીઓ: વિદેશમાં બેસીને ભારતના અનેક કલાકારો અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગવાના આરોપો.
આતંકવાદી ગતિવિધિઓ: NIA દ્વારા તેને UAPA હેઠળ 'આતંકવાદી' જાહેર કરવામાં આવ્યો છે અને તેના પર ખાલિસ્તાની જૂથો સાથે મળીને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ છે.
હવે આગળ શું?
સુરક્ષા એજન્સીઓ માટે અનમોલની ધરપકડ એક મોટી જીત છે. માનવામાં આવે છે કે તેની પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, હથિયારોના સપ્લાય અને ટેરર ફંડિંગને લઈને અનેક મોટા ખુલાસા થઈ શકે છે. NIA, દિલ્હી પોલીસ, મુંબઈ પોલીસ અને પંજાબ પોલીસ સહિતની અનેક એજન્સીઓ હવે તેની કસ્ટડી મેળવીને પૂછપરછ કરશે.

