ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત

Firing At Wedding Celebration In Rajasthan: રાજસ્થાનના ખેરથલ-તિજારા જિલ્લાના મુંડાવર સ્થિત જસાઈ ગામમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે પર ડાન્સ કરતી વખતે ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગની આ ઘટનામાં આ ગોળી દુલ્હાના મિત્રની 6 વર્ષની બાળકીના માથામાં વાગી. બાળકી વીરાને ગોળી વાગતા જ તે જમીન પર ઢળી પડી. ફાયરિંગ થતાં જ ચારે તરફ અફરા-તફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં ઘાયલ વીરાને તાત્કાલિક નીમરાનાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જોકે, હાલત ગંભીર થતા બાળકીને જયપુર રિફર કરવામાં આવી. અહીંથી જયપુર લઈ જતી વખતે બાળકીનું મોત થઈ ગયું.
દારૂના નશામાં ડીજે પર ડાન્સ
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહાવીર સિંહ શેખાવતે જણાવ્યું કે, ગામમાં રાજેશ જાટના લગ્ન 22 નવેમ્બરે થવાના છે. લગ્ન પહેલા 'બાન' (લગ્ન પહેલાની વિધિ) આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજેશનો ગામનો મિત્ર સતપાલ મીણા પોતાની દીકરી વીરા અને પરિવાર સાથે કાર્યક્રમમાં આવ્યો હતો. ત્યાં 5-7 યુવાનો ડીજે પર નાચી રહ્યા હતા. આ તમામ લોકો દારૂના નશામાં હતા. આ દરમિયાન યુવકોએ ટશન દેખાડવા માટે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કર્યું. આ દરમિયાન વીરા ઘરની અંદર ચોકમાં ઊભી હતી. ફાયરિંગ દરમિયાન અચાનક ચીસ સંભળાઈ. પરિવાર તરત જ વીરા તરફ દોડ્યો અને જોયું તો તે લોહીથી લથપથ હતી.
બાળકીના માથામાં વાગી ગોળી
વીરાના પિતા સતપાલે જણાવ્યું કે, ઘરના ગેટ પર ડીજે વાગી રહ્યું હતું. હું તે સમયે ડીજેથી થોડે દૂર ઉભો હતો. વીરા ઘરની અંદર ચોકમાં હતી. ત્યારે મને ફાયરિંગનો અવાજ સંભળાયો. અંદરથી ચીસો સંભળાઈ. તમામ લોકો ચોકમાં પહોંચ્યા અને જોયું તો ત્યાં મારી દીકરી વીરા લોહીથી લથપથ હતી. વીરાના મામા શિવકુમારે જણાવ્યું કે, ડીજે પર નાચતી વખતે સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં નીમરાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હાલત ગંભીર બનતા તેને જયપુર રિફર કરવામાં આવી. પરંતુ રસ્તામાં જ વીરાનું મોત થઈ ગયું.
આ પણ વાંચો: યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે
આરોપી યુવકો અને હથિયારની તલાશ
પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, પીડિત પક્ષની ફરિયાદ મળતા જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાયરિંગ કરનારા યુવક અને હથિયારની તલાશ કરવામાં આવી રહી છે. બાળકીના પિતા સતપાલ મીણા ભીવાડીમાં પરિવહન વિભાગમાં અતિરિક્ત વહીવટી અધિકારીના પદ પર તહેનાત છે. વીરાને એક મોટો ભાઈ અને એક નાની બહેન છે. ઘટના પછી લગ્નની ખુશી માતતમાં ફેરવાઈ ગઈ છે.

