Get The App

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે 'જય હો' ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે 'જય હો' ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય 1 - image

Mumbai Musical Road Complaint: મુંબઈના કોસ્ટલ રોડ પર બ્રીચ કેન્ડી પાસે બનેલા બહુચર્ચિત 'મ્યુઝિકલ રોડ'નો રોમાંચ હવે તમને 24 કલાક નહીં મળે. આ રોડ પર ગાડી ચલાવતી વખતે જે ખાસ ધૂન સંભળાતી હતી, તેનાથી આસપાસના લોકોને ઘણી પરેશાની થઈ રહી હતી. સ્થાનિકોની ફરિયાદો બાદ હવે BMCએ આ મ્યુઝિકલ હિસ્સાને અમુક ખાસ કલાકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

વાહનો પસાર થતાં સતત વાગે 'જય હો'ની ધૂન

ધર્મવીર સ્વરાજ રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ 'મ્યુઝિકલ પેચ' લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રસ્તાની સપાટી પર ખાસ પ્રકારની ધારીઓ (ગ્રૂવ્સ) બનાવવામાં આવી છે. જ્યારે કોઈ પણ ગાડી 70થી 80 કિમી/કલાકની સતત ઝડપે આના પરથી પસાર થાય છે, ત્યારે ટાયર અને રસ્તાના ઘર્ષણથી ઓસ્કાર વિનિંગ ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ની પ્રખ્યાત ધૂન 'જય હો' વાગવા લાગે છે. આ ટૅક્નોલૉજી હંગેરી દેશમાંથી લેવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ એ છે કે ડ્રાઇવરો એકસરખી ઝડપે ગાડી ચલાવે, સાથે જ તેમને ડ્રાઇવિંગનો એક નવો અનુભવ પણ મળે.

શું હતી લોકોની ફરિયાદ?

વાહન ચાલકો માટે તો આ અનોખું હતું પરંતુ બ્રીચ કેન્ડીની આસપાસ રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. બ્રીચ કેન્ડી રેસિડેન્ટ્સ ફોરમની ફરિયાદ મુજબ, 25થી વધુ રહેણાંક બિલ્ડિંગમાં આ ધૂનનો અવાજ સતત ગુંજતો રહેતો હતો. ખાસ કરીને વૃદ્ધોને દિવસ-રાત આવતા આ અવાજથી ઘણી મુશ્કેલી પડી રહી હતી.

BMCએ નવો સમય જાહેર કર્યો

ફરિયાદ મળ્યા બાદ BMCના અધિકારીઓએ આસપાસના ઘરોમાં જઈને સાઉન્ડ લેવલ ચેક કર્યું, જે લગભગ 60-65 ડેસિબલની વચ્ચે જોવા મળ્યું. આ ઘોંઘાટ બહુ વધારે ન હતો, પરંતુ સ્થાનિક લોકોની શાંતિ અને સુવિધાને જોતાં  BMCએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આ મ્યુઝિકલ રોડ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી સંપૂર્ણપણે શાંત રહેશે. રાત્રિના સમયે અવાજ રોકવા માટે રોડના આ ખાસ હિસ્સા પર બેરિકેડ લગાવી દેવામાં આવશે, જેથી ગાડીઓ તેના પરથી પસાર ન થઈ શકે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે

જેનો સીધો અર્થ એ છે કે હવે તમે માત્ર દિવસના સમયે, એટલે કે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ આ મ્યુઝિકલ રોડના રોમાંચનો આનંદ માણી શકશો. લોકો માટે રાહતની વાત એ છે કે રસ્તા પરથી આ મ્યુઝિકલ સ્ટ્રીપ્સ હટાવવામાં આવી નથી, પરંતુ માત્ર તેના ઉપયોગનો સમય નક્કી કરવામાં આવ્યો છે. BMCના આ તાત્કાલિક અને સંતુલિત નિર્ણયથી સ્થાનિક લોકો ઘણા ખુશ છે અને તેમણે વહીવટીતંત્રના આ પગલાની પ્રશંસા પણ કરી રહ્યા છે.