India

માતા સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડી, હું રામ મંદિરે ક્યારેય નહીં જાઉં: દિવાળીએ જ TMC સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

By GS Team
8 Nov 20263 mins read
TukuTouch Logo
TMC સાંસદ કીર્તિ આઝાદે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, તેઓ અયોધ્યાના રામ મંદિરમાં ક્યારેય ગયા નથી અને જવાનો ઇરાદો પણ નથી. આઝાદે સવાલ કર્યો કે, કામાખ્યા દેવીની પૂજા કરનાર હિંદુ ન ગણાય? તેમણે માતા સીતાની અગ્નિપરીક્ષા અને ત્યાગનો પણ ઉલ્લેખ કર્યો. આઝાદે ભાજપ પર વસૂલી અને દાનની ચોરીનો આરોપ લગાવ્યો, અને કહ્યું કે તેઓ મથુરા જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માતા સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડી, હું રામ મંદિરે ક્યારેય નહીં જાઉં: દિવાળીએ જ TMC સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

Kirti Azad Ram Temple Statement : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કીર્તિ આઝાદે રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે રામ મંદિરના મુદ્દે ભાજપને ઘેરતાં કહ્યું કે તેઓ અયોધ્યાના રામ મંદિરમાં ક્યારેય ગયા નથી અને ભવિષ્યમાં પણ ત્યાં જવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કામાખ્યા દેવીની પૂજા કરનાર વ્યક્તિ હિંદુ ન ગણાય? આઝાદે માતા સીતાની અગ્નિપરીક્ષા અને ત્યાર બાદ તેમને ત્યજી દેવાના પ્રસંગનો ઉલ્લેખ કરીને પણ સવાલો કર્યા હતા.

કીર્તિ આઝાદનું આ નિવેદન સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની 12 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિર અને હનુમાનગઢીની મુલાકાત લેવાની પ્રસ્તાવિત યોજના વચ્ચે આવ્યું છે. ભાજપે અખિલેશ યાદવની આ મુલાકાતને ચૂંટણી પહેલાંનો રાજકીય પ્રયાસ ગણાવી છે અને ધાર્મિક સ્થળોની મુલાકાત દ્વારા રાજકીય લાભ મેળવવાનો આરોપ લગાવ્યો છે.

'કામાખ્યા મંદિરે જાઉં છું, તો શું હું હિંદુ નથી?'

કીર્તિ આઝાદે ભાજપ પર વસૂલી અને દાનની ચોરી જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'મને સમજાતું નથી કે વસૂલી અને દાનની ચોરીમાં સામેલ ભારતીય જનતા પાર્ટી વારંવાર રામ મંદિરની વાત શા માટે કરે છે? હું રામ મંદિરે ગયો નથી, પરંતુ કામાખ્યા મંદિરે ગયો છું. શું તેઓ એવું કહેવા માગે છે કે જે વ્યક્તિ કામાખ્યા દેવીની પૂજા કરે છે તે હિંદુ નથી? હું કામાખ્યા દેવીની પૂજા કરું છું, પરંતુ રામ મંદિરે ગયો નથી.'

'માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી છતાં તેમને ત્યજી દેવાયાં'

માતા સીતાના જન્મસ્થળ સાથે પોતાનો સંબંધ હોવાનું જણાવીને આઝાદે તેમની અગ્નિપરીક્ષા અને ત્યાર બાદ તેમને ત્યજી દેવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે કોઈ પણ વ્યક્તિ પોતાની પત્ની સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું, 'હું માતા સીતાની જન્મભૂમિનો છું. માતા સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડી હતી અને તેમાં સફળ થયા પછી પણ તેમને ત્યજી દેવાયાં હતાં. શું કોઈ પણ વ્યક્તિ માટે પોતાની પત્ની સાથે આવું વર્તન કરવું યોગ્ય છે? પહેલાં અગ્નિપરીક્ષા લેવાય અને તેમાં સફળ થયા પછી પણ પત્નીનો ત્યાગ કરવામાં આવે, તે યોગ્ય નથી.'આઝાદે વધુમાં કહ્યું કે તેઓ કામાખ્યા મંદિર અને ત્રિપુરા સુંદરી મંદિરે જાય છે. શું આનો અર્થ એવો થાય કે તેઓ હિંદુ નથી?

'રામ મંદિરે ક્યારેય નહીં જાઉં, મથુરા જઈશ'

રામ મંદિરની મુલાકાત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કીર્તિ આઝાદે કહ્યું, 'હું રામ મંદિરે ગયો નથી અને ક્યારેય જઈશ પણ નહીં. હું મથુરા જઈશ.' તેમણે ભાજપ પર ધાર્મિક લાગણીઓનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આઝાદે કહ્યું કે ભાજપે દેશમાં રામરાજ્ય સ્થાપિત કર્યું નથી, પરંતુ રાવણરાજ્ય લાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દરેક મંદિરમાં લૂંટ અને ચોરી કરાવી રહી છે અને તેની પાસે રામના મુદ્દા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. આઝાદના આ નિવેદનથી રામ મંદિર અને ધાર્મિક મુદ્દાઓને લઈને રાજકીય ચર્ચા વધુ તેજ બની છે