Monsoon in India: મેની બળબળતી ગરમીમાં સબડતા કરોડો ભારતીયો માટે આનંદના સમાચાર એ આવ્યા છે કે ચોમાસુ આ વખતે સમયસર બેસશે. ચોમાસુ દર વખતની જેમ પહેલી જૂને કેરળના તટે એન્ટ્રી મારી શકે છે. અહીં સૌથી રસપ્રદ અને મહત્ત્વની વાત એ છે કે ભારતમાં વરસાદ લાવતા આ વાદળોનું સીધું જોડાણ સાત સમંદર દૂર ઓસ્ટ્રેલિયાની સાથે જોડાયેલું છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ જાહેરાત કરી હતી કે અહીંની વેટ સીઝન એટલે કે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે.
હવે કોઈને પણ વિચાર આવે કે ઓસ્ટ્રેલિયામા વરસાદ રોકાય તેનો ભારત સાથે શું સંબંધ. વાસ્તવમાં ભૂમધ્ય રેખાની પાસે વાદળો અને વરસાદનો અદ્રશ્ય પટ્ટો હોય છે.
આ વાદળો અને વરસાદનો અદ્રશ્ય પટ્ટો દર વર્ષે જરા પણ ચૂક્યા વગર ઉત્તરી ગોળાર્ધમાં ગરમી આવતા ઉત્તર તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ગરમી આવતા દક્ષિણ તરફ ખસે છે. આ પટ્ટી સૂરજની પાછળ જતી રહે છે અને જયાં પણ જાય છે ત્યાં વરસાદ લાવે છે. હવે ઓસ્ટ્રેલિયામાં જ્યારે વરસાદની સીઝન ખતમ થાય છે ત્યારે આ પટ્ટીથી મજબૂતાઈથી ઉત્તર તરફ ખસકવાનો પ્રારંભ કરી દે છે. આ પટ્ટી જેમ-જેમ ખસકે છે તેમ-તેમ સમુદ્રમાં આવતી નમીથી ચાલતી હવાઓને તે દક્ષિણ એશિયા તરફ ખેંચે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાનો આ અદ્રશ્ય પટ્ટો હવે માલદીવને પાર કરી શ્રીલંકા અને આંદામાન નિકોબાર તરફ આગળ વધી રહ્યો છે. આગામી 10થી 15 દિવસમાં એટલે કે 20થી 25 મેની વચ્ચે તે આંદામાન નિકોબાર પહોંચી શકે છે. તેથી જો બધુ બરોબર રહ્યું તો પહેલી જૂનના રોજ કેરળમાં વરસાદ પડી શકે છે. તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં તો અત્યારથી જ વરસાદના છાંટણા પડવા લાગ્યા છે, જે ચોમાસુ આવવાની પૂર્વસૂચના છે.
ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં હાલમાં ક્યારેક ભીષણ ગરમી અને ક્યારેક અચાનક આંધીની સાથે વરસાદ તથા કરા પડે છે અને હિમવર્ષા થાય છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ સીઝનલ ટ્રાન્ઝિશન છે. હવામાન મુજબ આગામી સાત દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વરસાદ પડવાની સંભાવના છે. આ તે વાતનો મુખ્ય સંકેત છે કે ચોમાસુ તેની નિયત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યું છે.


