દેશ દિમાગી નક્સલોથી સાવધાન રહે લાલ કિલ્લા પરથી મોદીની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે ૮૦માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત ૧૩માં વર્ષે કરેલાં સંબોધનમાં દેશવાસીઓને દિમાગી નક્સલો સામે સાવધ રહેવાની ચેતવણી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે સશસ્ત્ર માઓવાદીઓનો તો આપણે સફાયો કરી નાખ્યો છે પરંતુ દિમાગી નક્સલો સામે સાવધ રહેવાની જરુર છે. આ ઉપરાંત તાજેતરમાં પેપર લીક મુદ્દે થયેલાં જેન ઝી આંદોલનના પડઘા રુપે વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ માટે ફ્રી કોચિંગની જાહેરાત કરી હતી. તેમણે એક કરોડ યુવકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ આપવાની તથા ઓલિમ્પિક સહિતની રમતગમતની સ્પર્ધાઓ માટે પાંચથી ૧૫ વર્ષના બાળકો માટે રાષ્ટ્રવ્યાપી નેશનલ ટેલેન્ટ હન્ટ શરુ કરવાની જાહેરાત પણ કરી હતી.
વડાપ્રધાન ે કહ્યું હતું કે વર્ષો સુધી માઓવાદી માનસિકતા ધરાવતા લોકો સત્તા કેન્દ્રોની નજીક રહ્યા હતા. મહત્વની કમિટીઓમાં રહીને તેમણે રાષ્ટ્રીય નીતિઓ પર અસર સર્જી હતી. આપણે જંગલોમાંથી સશસ્ત્ર નક્સલીઓનો સફાયો કરવામાં સફળ રહ્યા છીએ પરંતુ હજુ આ દિમાગી નક્સલોથી સાવધ રહેવાની જરુર છે એમ તેમણે કહ્યું હતું. આ દિમાગી નકસલોને ઓળખી લઈ તેમને સમાજની મુખ્ય ધારાથી વિખૂટા પાડી દેવાનું અનિવાર્ય બન્યું છે. બીજી તરફ જેન ઝી તરફ ફરી દોસ્તીનો હાથ લંબાવતાં વડાપ્રધાને જાહેર કર્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને સરકાર દ્વારા મફત કોચિંગ પૂરું પાડવામાં આવશે. એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. ભારતને એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ અને ડેટા સેન્ટર જેવાં ક્ષેત્રોમાં વૈશ્વિક હબ તરીકે સ્થાપવાના ભાગ રુપે આ જાહેરાત કરાઈ હોવાનું માનવામાં આવે છે.
લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ૨૦૨૬ સ્વતંત્રતા દિવસનું ભાષણ ૭૫ મિનિટ ચાલ્યું હતું,જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ટૂંકુ ભાષણ હતું અને તેમના સતત ૧૩ ભાષણોમાં ચોથા ક્રમાંકનું સૌથી ઓછા સમયનું ભાષણ હતું. આ ભાષણ ગયા વર્ષના રેકોર્ડ ૧૦૩ મિનિટના ભાષણથી ઘણુ નાનુ હતું, ૨૦૧૪માં તેમનું પ્રથમ સ્વતંત્રતા દિવસનું ભાષણ ૬૫ મિનિટનું હતું તો ૨૦૨૩માં ૯૨ મિનિટનું હતું. પોતાના વર્તમાન સંબોધનમાં મોદીએ લોકોને મોટા સ્વપ્ન જોવા વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે આજે ભારત પાસે ૨૦૪૭માં વિકસિત દેશ બનાવવાનું મોટું સ્વપ્ન છે, આજે ભારત સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું અર્થતંત્ર છે, છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઇ સર કરી છે, ૨૦૧૪ પહેલા માત્ર ૭૦ શહેરોમાં જ પાઇપ દ્વારા ગેસ પુરવઠો પુરો પડાતો હતો, માત્ર ૨૦થી ૨૨લાખ પરિવારને જ આ સુવિધા મળી રહી હતી, આજે આ સંખ્યા ૧.૭૫ કરોડે પહોંચી ગઇ છે. મોદીએ કહ્યું હતું કે વિશ્વ મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે, જોકે ભારત તેમાંથી બાકાત છે કેમ કે આપણી પાસે ગેસ, પેટ્રોલ, યુરિયા બધુ જ છે. આ સાથે જ મોદીએ વિકાસના સાત પાયા અંગે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોડક્શન, ટેક્નોલોજી અને ઇનોવેશન, ગતી શક્તિ, ડિફેન્સ પાવર, ગ્રીન અને બ્લૂ ઇકોનોમી વગેરે મહત્વના ક્ષેત્રો છે.
- મોદીએ વિપક્ષના નેતાઓને દિમાગી નક્સલી નથી કહ્યા ઃ રિજિજૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિમાગી નક્સલ નિવેદનને લઇને વિપક્ષ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યા હતા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જેન-ઝી સહિત જે પણ લોકો સત્તા સામે અવાજ ઉઠાવી રહ્યા છે તેમને મોદી દિમાગી નક્સલી કહી રહ્યા છે. સરકારની ટિકા કરવી દેશ વિરોધી કાર્ય નથી.
જોકે કોંગ્રસના આ આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ સ્પષ્ટતા કરી હતી, તેમણે કહ્યું હતું કે જે લોકો બંધારણને નથી સ્વીકારતા, જે લોકો માઓવાદીઓને સાથ આપે છે, ચિકન નેકને કાપી નાખવાની વાતો કરે છે તેમને દિમાગી નક્સલી કહ્યા છે. મોદીએ વિપક્ષના નેતાઓને દિમાગી નક્સલી નથી કહ્યા.









