દુષ્કર્મના દોષિત સાંસદ પાસેથી જેલમાંથી મોબાઇલ મળ્યો, જાણો કિરણ બેદીએ કોને જવાબદાર ગણાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prajwal Revanna Mobile Phone In Jail : જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ ફરી વધી રહી છે. બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેમની બેરેકમાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ સુરક્ષા ચૂક અંગે પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ જેલ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ IPS અધિકારીએ જેલ તંત્ર પર સાધ્યું નિશાન
પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી(Kiran Bedi)એ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, 'તેમની પાસે સ્માર્ટફોન કેવી રીતે હોઈ શકે. શું તેમની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નહોતી. તપાસ વગર કોઈ અંદર જઈ શકતું નથી. આનો અર્થ એ છે કે ચેકિંગ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હતી. તેમણે ચાલાકી વાપરીને ફોન છુપાવ્યો હોઈ શકે છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેલમાં પ્રવેશ માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ હોવા છતાં સુરક્ષામાં આવી ચૂક થવી એ મોટી ક્ષતિ છે.
અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ : કિરણ બેદી
કિરણ બેદીના જણાવ્યા અનુસાર કેદી પાસેથી કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળે તો તે જેલ સુરક્ષા સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, 'જ્યારે કોઈ કેદી ચાલાકીથી ફોન અંદર લઈ જાય છે, તો તે સમયે જે અધિકારીઓ તલાશી લેતા હતા તેમની સીધી જવાબદારી બને છે.'
જેલમાં 4થી 5 કલાકનું સર્ચ ઓપરેશન
પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે(Alok Kumar) માહિતી આપી હતી કે સીસીબીની ટીમે મંગળવારે જેલમાં 4થી 5 કલાક સુધી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્ના(Prajwal Revanna)ની બેરેકમાંથી એન્ડ્રોઇડ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
જેલના મદદનીશ સુપ્રિન્ટેન્ડેન્ટ સસ્પેન્ડ
અગાઉ 6 ઑગસ્ટે પણ જેલ અધિકારીઓએ બેરેકની તપાસ કરી હતી, પરંતુ ત્યારે કંઈ જ મળ્યું નહોતું. આ ઘટના બાદ મદદનીશ સુપ્રિન્ટેન્ડેન્ટ ઈરન્ના રંગાપુર(Iranna Rangapur)ને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ સાંસદને જાતીય સતામણીના કેસોના સંબંધમાં મે 2024માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બેંગલુરુની એક વિશેષ અદાલતે ઑગસ્ટ 2025માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારથી તેઓ આ જેલમાં બંધ છે.









