Get The App

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે આવતીકાલે તમામ મુખ્યમંત્રી સાથે PM મોદીની બેઠક, મોટા નિર્ણયોની શક્યતા

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે આવતીકાલે તમામ મુખ્યમંત્રી સાથે PM મોદીની બેઠક, મોટા નિર્ણયોની શક્યતા 1 - image


PM Modi Calls Urgent Meeting with All CMs Tomorrow | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્ત્વની બેઠક કરશે. 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે. એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું. જે બાદ હવે આવતીકાલે સાંજે 6.30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્ત્વની બેઠક કરશે.

પીએમ મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળા બજાર કરતાં અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે. સરકાર પાઇપ્ડ નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે જેથી ઘરેલું ગેસનો પુરવઠો જળવાઈ રહે. 

કેમ બોલાવાઈ બેઠક? 

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે.

નોંધનીય છે કે જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે.