દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ: ક્યાંક જળબંબાકાર તો ક્યાંક રસ્તાઓ જળમગ્ન, દિલ્હીમાં પણ આફત, જુઓ VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Monsoon Update : દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસુ જમાવટ કરી રહ્યું છે ત્યારે તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ક્યાંક મુશળધાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાથી વાહનોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમિલનાડુ : કરાઈકુડીમાં તેજ પવન સાથે મુશળધાર વરસાદ
તમિલનાડુના કરાઈકુડી અને તેની આસપાસના વિસ્તારોમાં 30 મિનિટથી વધુ સમય સુધી ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. સેંજઈ, કઝાનીવાસલ, સેક્કાલાઈ, કોલેજ રોડ, 100 ફીટ રોડ, કોવિલુર, કોટ્ટાયુર, અરીયકુડી, ઇલુપ્પકુડી અને માથુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
હિમાચલ પ્રદેશ : શિમલામાં ભારે વરસાદ
હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના પગલે પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ સામાન્ય જનજીવન પર અસર પડી છે.
દિલ્હી : વસંત કુંજમાં ભારે પવન સાથે વરસાદ
રાજધાની દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
હિમાચલ પ્રદેશ : ધર્મશાલામાં વરસાદથી તાપમાન ઘટ્યું, મુસાફરો મુશ્કેલીમાં
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ધોધમાર વરસાદ વરસતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં મુસાફરો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર પ્રદેશ : લખનૌના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે, જેના લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે.
દિલ્હી : વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં ઝાડ પડતાં કારો દબાઈ
દિલ્હીમાં વરસાદ દરમિયાન વિઠ્ઠલભાઈ પટેલ હાઉસ પરિસરમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષ પડવાથી કારની બારીઓના કાચ તૂટી ગયા હતા અને છત દબાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
ઉત્તર પ્રદેશ : લખનૌના ગોમતી નગરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ
લખનૌના પોશ વિસ્તાર ગણાતા ગોમતી નગરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા.

મધ્યપ્રદેશ : જબલપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે મુસાફરી કરતા નાગરિકો
મધ્યપ્રદેશના જબલપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરી વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે લોકો છત્રી અને રેઈનકોટના સહારે ટુ-વ્હીલર પર મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

પશ્ચિમ બંગાળ : હલ્દિયામાં રસ્તાઓ બિસ્માર અને જળમગ્ન
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયામાં વરસાદને કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાળકો અને સ્થાનિક રહીશોને કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ : જલપાઈગુડીના જંગલ વિસ્તારમાં વરસાદ વચ્ચે જનજીવન
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જંગલ વસાહતમાં રહેતા સ્થાનિક લોકો વરસાદ વચ્ચે સાયકલ પર લાકડાં ભરીને પોતાના ઘર તરફ જતા મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા.





