India

દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, હિમાચલથી કેરળ સુધી દુર્ઘટનાઓ, અનેક ઠેકાણે જળબંબાકાર, જુઓ VIDEO

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
દેશભરમાં ચોમાસાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વરસાદી અકસ્માતોમાં 64નાં મોત અને ₹797 કરોડનું નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં મકાન ધરાશાયી થતાં 1 બાળકીનું મોત થયું, જ્યારે 6 લોકો ઘાયલ થયા. દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, હિમાચલથી કેરળ સુધી દુર્ઘટનાઓ, અનેક ઠેકાણે જળબંબાકાર, જુઓ VIDEO

India Monsoon : દેશભરમાં ચોમાસાનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 14 ભૂસ્ખલન અને પૂર સહિતના વરસાદી અકસ્માતોમાં 64 લોકોના મોત થયા છે અને ₹797 કરોડનું નુકસાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં મકાન ધરાશાયી થતાં 1 બાળકીનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

હિમાચલ પ્રદેશ: તબાહીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા

હિમાચલ પ્રદેશમાં જૂન મહિનાના અંતમાં ચોમાસાના આગમનથી લઈને અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 64 લોકોના મોત નીપજ્યા છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના જણાવ્યા અનુસાર, ભયાનક વરસાદના કારણે રાજ્યમાં 120 રસ્તાઓ બંધ થઈ ગયા છે, 60 વોટર સપ્લાય સ્કીમ અને 39 ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા છે. તંત્ર દ્વારા રાજ્યને અત્યાર સુધીમાં ₹797 કરોડનું મોટું નુકસાન થયું હોવાનું આંકવામાં આવ્યું છે. રાજ્યમાં ઓગસ્ટ 12 સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ: મકાન ધરાશાયી થતાં બાળકીનું મોત અને વારાણસી-ગાઝિયાબાદમાં પાણી ભરાયા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાના પોલીસ સ્ટેશન વિસ્તારના હબીબપુર ગામમાં ભારે વરસાદ દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં 1 વર્ષની માસૂમ બાળકી સાવનીનું મોત થયું છે, જ્યારે તેની માતા અને બે બાળકો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ, વારાણસીમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા સતત વરસાદને કારણે શ્રાવણ મહિનામાં લોકોને બળતરા અને ગરમીથી મોટી રાહત મળી છે.

ગાઝિયાબાદ : અનેક વિસ્તારો જળબંબાકાર

ગાઝિયાબાદના લોની-ભોપુરા રોડ, રાજ નગર, બસ સ્ટેન્ડ અને શાસ્ત્રી નગરમાં મોડી રાતથી જ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જોકે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત પણ મળી છે.

દિલ્હી: પાટનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તુગલકાબાદ સ્થિત DDA ડિસ્ટ્રિક્ટ પાર્ક, ઐતિહાસિક લાલ કિલ્લાની આસપાસના વિસ્તારો, સંગમ વિહાર, મહાત્મા ગાંધી માર્ગ અને ઝાકિર હુસૈન માર્ગ પર ભારે જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે, જેનાથી વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.

હરિયાણા: ગુરુગ્રામ અને ફરીદાબાદમાં રસ્તાઓ જળમગ્ન

હરિયાણામાં સાર્વત્રિક વરસાદને કારણે સ્માર્ટ સિટી ગુરુગ્રામ અને ફરીદાબાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

ઉત્તરાખંડ: હરિદ્વારમાં કાંવડયાઓનો ઉત્સાહ અકબંધ

ઉત્તરાખંડના હરિદ્વારમાં સતત થઈ રહેલા વરસાદ છતાં કાંવડયાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. પવિત્ર ગંગાજળ લેવા અને ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

મહારાષ્ટ્ર: ગોંદિયામાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતા બફારા અને ઊંચા તાપમાન બાદ વરસાદ પડતાં સ્થાનિક લોકોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.

ઓડિશા: ભુવનેશ્વરમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે. રસ્તા પર વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પશ્ચિમ બંગાળ: નેશનલ હાઈવે-60 પર પાણી ભરાયા

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-60 (NH-60) પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને હાઈવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

કેરળ: ઇડુક્કીમાં કોમર્શિયલ બિલ્ડિંગની છત ધરાશાયી

કેરળના ઇડુક્કી જિલ્લાના કાંચિયાર લબ્બાકડા ખાતે ભારે વરસાદના કારણે એક વેપારી બિલ્ડિંગની છત તૂટી પડી હતી. આ ઘટનામાં દુકાનદારોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.