India

પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદી 29 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 4 દિવસના મધ્ય એશિયાના પ્રવાસે છે. તેઓ ઉઝબેકિસ્તાનના તાશ્કંદ અને કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક જશે. બિશ્કેકમાં 26મી SCO શિખર પરિષદમાં ભાગ લેશે. આ પ્રવાસમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝિયોયેવ, રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત મહત્ત્વની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી

PM Modi's Central Asia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે 29 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાર દિવસના સેન્ટ્રલ એશિયાના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ પહેલા ઉઝબેકિસ્તાનના તાશ્કંદ જશે, ત્યારબાદ કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. અહીં 26મી SCO એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદમાં ભાગ લેશે. આ પ્રવાસમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષિય વાતચીત ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાત મહત્ત્વપૂર્ણ રહેશે.

29 ઑગસ્ટે PM મોદી તાશ્કંદ પહોંચશે. અહીં યંગ ઉઝબેકિસ્તાન પાર્કમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ શાવકત મિર્ઝિયોયેવ દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં સામેલ થશે. પ્રવાસના પહેલા દિવસે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં મુલાકાતની શરૂઆત થશે.

બીજો દિવસ: મહત્ત્વની વાતચીત બાદ બિશ્કેક રવાના

30 ઑગસ્ટે શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને નવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર વાત થશે. રાજદ્વારી ચર્ચા બાદ શાસ્ત્રી મેમોરિયલ જઈને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, ત્યારબાદ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી સ્થિત મહાત્મા ગાંધી સેન્ટર તરફ જશે. દિવસભરની વ્યસ્તતા બાદ સાંજે બિશ્કેક માટે રવાના થશે.

ત્રીજો દિવસ: SCO સમિટમાં પુતિન સાથે મુલાકાત

31 ઑગસ્ટના રોજ PM મોદી બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCOની 26મી શિખર પરિષદમાં સામેલ થશે. આ સંગઠનની સ્થાપનાના 25 વર્ષ પૂરા થવાનો પણ અવસર છે. આમાં સુરક્ષા, કનેક્ટિવિટી અને તક જેવા મુદ્દાઓ પર ભારત પોતાની પ્રાથમિકતાઓ મૂકશે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે PM મોદીની દ્વિપક્ષિય મુલાકાત થશે. બંને દેશોના સંબંધો સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીતની અપક્ષા છે.

ચોથો દિવસ: જિનપિંગ સાથે મુલાકાત

1 સપ્ટેમ્બરના રોજ SCO સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલુ રહેશે. PM મોદી સંગઠનના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે તેમની મુલાકાત પર ખાસ નજર રહેશે.

PM મોદી છઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ સામેલ થશે. આ મધ્ય એશિયાની પરંપરાગત સંસ્કૃતિ અને રમતગમતને સામે લાવનારું મોટું આયોજન છે.

SCO શું છે?

SCO એટલે કે Shanghai Cooperation Organisation(શાંઘાઈ સહયોગ સંગઠન) એશિયાના દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે. આનું મુખ્ય કામ સુરક્ષા, આતંકવાદ, અલગતાવાદ, વેપાર, કનેક્ટિવિટી અને પરસ્પર સહયોગ જેવા મુદ્દાઓ પર સાથે કામ કરવાનું છે. ભારત 2017થી આનું પૂર્ણ સભ્ય છે.

ભારત માટે કેમ મહત્ત્વનો છે આ પ્રવાસ?

આ પ્રવાસમાં ભારત એક તરફ ઉઝબેકિસ્તાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાત કરશે, તો બીજી તરફ SCOના મંચ પર સુરક્ષા અને કનેક્ટિવિટીને લઈને પોતાની પ્રાથમિકતાઓ મુકશે.

પુતિન અને જિનપિંગ સાથે થનારી મુલાકાતોના કારણે પણ આ ચાર દિવસીય પ્રવાસ પર ખાસ નજર રહેશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ભારતમાં BRICS શિખર પરિષદ પણ યોજાવાની છે.