India

MCX વાયદા બજારમાં તેજી : સોનામાં રૂ.1,800થી વધુ અને ચાંદીમાં રૂ.4,900થી વધુનો જોરદાર ઉછાળો

By GS Team
2 Nov 20263 mins read
TukuTouch Logo
MCX પર 04 ડિસેમ્બર-2026ના વાયદામાં સોના-ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો. રાત્રે 10.00 વાગ્યા સુધીમાં સોનું રૂ. 1,805 અને ચાંદી રૂ. 4,916ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. રોકાણકારોની મજબૂત લેવાલીથી ભાવમાં સુધારો નોંધાયો. જોકે, સ્થાનિક હાજર બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ઓક્ટોબરમાં ચાંદીમાં રૂ. 44,574નો મોટો કડાકો બોલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

MCX વાયદા બજારમાં તેજી : સોનામાં રૂ.1,800થી વધુ અને ચાંદીમાં રૂ.4,900થી વધુનો જોરદાર ઉછાળો

MCX Today Gold-Silver Price : દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોના અને ચાંદીના 04 ડિસેમ્બર-2026 વાયદામાં આજે મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન બજારમાં મોટા ઉતાર-ચઢાવ વચ્ચે બંને કિંમતી ધાતુઓ પાછલા બંધ ભાવથી ઊંચા મથાળે ટ્રેડ થતી જોવા મળી હતી. રાત્રે 10.00 વાગ્યા સુધીમાં સોનું અને ચાંદી બંનેમાં રોકાણકારોની મજબૂત લેવાલીથી ભાવમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો.

સોનું : ગઈકાલના બંધથી સીધો રૂ.1,805નો મોટો વધારો

MCX ગોલ્ડ ડિસેમ્બર વાયદો આજે સવારે રૂ.139,003 ના ભાવે ખૂલ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવ રૂ.138,485 કરતાં પહેલેથી જ મજબૂત હતો. દિવસ દરમિયાન બજારમાં નીચામાં રૂ.138,030 અને ઉપરમાં રૂ.140,524 સુધી ભાવ પહોંચ્યા હતા, એટલે કે આખા દિવસમાં ભાવમાં રૂ.2,494 ની મોટી વધ-ઘટ જોવા મળી હતી. રાત્રે 10.00 વાગ્યાના સુમારે સોનું રૂ.1,40,290 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આજના શરૂઆતી ભાવની સરખામણીએ સોનામાં રૂ.1,287 નો વધારો થયો છે, જ્યારે ગઈકાલના બંધ ભાવ સામે તેમાં કુલ રૂ.1,805 નો મોટો ઉછાળો નોંધાયો છે.

ચાંદી : ગઈકાલના બંધથી સીધો રૂ.4,916નો મોટો વધારો

ચાંદીના વાયદા બજારમાં આજે સોના કરતાં પણ વધુ આક્રમક તેજી જોવા મળી હતી. MCX સિલ્વર ડિસેમ્બર વાયદો ગઈકાલે રૂ.179,132 પર બંધ થયો હતો, જેની સામે આજે સવારે ઊંચા મથાળે રૂ.181,094 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે અસ્થિરતા રહી હતી, જેમાં નીચામાં રૂ.180,206 અને ઉપરમાં રૂ.184,675 સુધીનો સ્તર જોવા મળ્યો હતો, જેના કારણે દિવસ દરમિયાન ઉપર-નીચે થયેલ ભાવનો તફાવત રૂ.4,469 રહ્યો હતો. રાત્રે 10.00 વાગ્યા સુધીમાં ચાંદી રૂ.1,84,048 પર પહોંચી ગઈ હતી. આમ, આજના શરૂઆતી ભાવ બાદ તેમાં રૂ.2,954 નો વધારો નોંધાયો છે, જ્યારે ગઈકાલના બંધ ભાવની તુલનાએ ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ.4,916 નો જંગી ઉછાળો આવ્યો છે.

ઓક્ટોબર મહિનામાં ચાંદીમાં બોલાયો હતો મોટો કડાકો

નવેમ્બર મહિનાની શરૂઆત તેજી સાથે થઈ છે, પરંતુ વીતેલા ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં મહિના દરમિયાન આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે પ્રતિ કિલોએ રૂ. 44,000થી વધુનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બરના છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX વાયદા ચાંદી પ્રતિ કિલો રૂ. 2,23,706 પર બંધ થઈ હતી, જે 30 ઓક્ટોબર સુધીમાં તૂટીને રૂ. 1,79,132 પર આવી ગઈ હતી. આમ, એક જ મહિનામાં ચાંદીમાં રૂ. 44,574 નો જંગી ઘટાડો નોંધાયો હતો.

ઘરેલું હાજર બજારમાં ચાંદી સસ્તી થઈ

MCX વાયદા બજારમાં જોવા મળેલી મજબૂત તેજીથી વિપરીત સ્થાનિક હાજર બજારમાં ચાંદી સસ્તી થવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 30 ઓક્ટોબરના રૂ. 1,81,344ની સરખામણીએ રૂ. 1,372 ઘટીને રૂ. 1,79,972 પ્રતિ કિલોના સ્તરે આવી ગયો હતો.

સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પણ ઘટાડો

વાયદા બજારની તેજી સામે સ્થાનિક હાજર બજારમાં પીળી ધાતુના ભાવ પણ નરમ રહ્યા હતા. IBJAના ડેટા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 30 ઓક્ટોબરના બંધ ભાવ રૂ. 1,40,054 ની સરખામણીએ રૂ. 2,530 તૂટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,37,524 ના સ્તરે પહોંચી ગયો હતો. આમ, વાયદા બજારમાં ઉછાળો હોવા છતાં સ્થાનિક હાજર બજારમાં ખરીદદારો માટે સોનું અને ચાંદી બંને સસ્તા મળ્યા હતા.