Manipur Violence : મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા શરૂ થતા ખભળટા મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારોમાં સશસ્ત્ર જૂથોએ હવામાં આડેધડ ગોળીબાર કરતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સ્થિતિ એવી ગંભીર બની ગઈ છે કે, મોટી સંખ્યામાં ગ્રામીણો પોતાના ઘરો છોડી પડોશી કાંગપોકપી જિલ્લામાં પલાયન થવા મજબૂર બન્યા છે.
પોલીસ સ્ટેશન પાસે ફાયરિંગ
હિંસાની શરૂઆત શનિવારે રાત્રે થઈ હતી, જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં સમાધાનની વાત ચાલી, પરંતુ રવિવારે યોજાનારી બેઠક રદ થતા મામલો બિચક્યો હતો. પડોશી ગામના લોકોએ લિટાન સારેઇખોંગના મુખિયાના નિવાસસ્થાન પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન પાસે પણ ફાયરિંગની ઘટનાઓ બની હતી.
અચોક્કસ મુદતનો કર્ફ્યુ અને સુરક્ષામાં વધારો
રવિવારે બે આદિવાસી જૂથો વચ્ચે થયેલા પથ્થરમારા બાદ પ્રશાસને તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાગુ કર્યો હતી. જોકે, મોડી રાત્રીએ તંગખુલ નાગા અને કુકી સમુદાયના અનેક મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ દાસ દ્વારા રવિવાર સાંજથી આગામી આદેશ સુધી કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાગુ કરાયા છે. કોઈપણ વ્યક્તિને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
મુખ્યમંત્રીની શાંતિની અપીલ
રાજ્યના મુખ્યમંત્રી ખેમચંદ સિંહે સોશિયલ મીડિયા દ્વારા તમામ સમુદાયોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. હાલ મહાદેવ, લંબુઈ અને લિટાન તરફ જતા માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.


