- ભારતીય ચૂંટણી ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના : ચૂંટણી હાર્યા છતાં રાજકીય કેફ ઊતરતો નથી
- બંગાળના ચૂંટણી પરિણામ જનાદેશ નહીં, કાવતરું હતું, અમારી લડાઈ ભાજપ નહીં ચૂંટણી પંચ સામે હતી, મુખ્ય ચૂંટણી કમિશનર વિલન ઃ મમતા
- તૃણમૂલનો ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો, ન્યાયતંત્ર પર આક્ષેપ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ પછી સત્તા પરથી દૂર થતા ધૂંઆપૂંઆ થયેલા મમતા બેનરજીએ પરિણામો જાહેર થયાના બીજા દિવસે મંગળવારે પોતાનો પરાજય થયાનું સ્વિકારવાનો તેમજ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો કે, આ પરિણામ જનાદેશ નથી, પરંતુ કાવતરું છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો, ન્યાયતંત્ર પર ભાજપ માટે કામ કરવાના આક્ષેપ કર્યા હતા. મમતાએ કહ્યું કે, તેઓ આ સંઘર્ષને રસ્તા પર લઈ આવશે. તેમને ઈન્ડિયા ગઠબંધનનું મજબૂત સમર્થન છે. આ સાથે મમતાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સંઘર્ષ લાંબો ચાલશે. ભારતીય સંસદીય ચૂંટણીના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં પરાજય પછી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. આ સ્થિતિ બંધારણીય કટોકટી ઊભી કરે તેવી આશંકા છે.
દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો સોમવારે જાહેર થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે અભૂતપૂર્વ દેખાવ કરીને ૨૦૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ ૮૦ બેઠકો સુધી સમેટાઈ ગયો હતો. જોકે, મંગળવારે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ એક પત્રકાર પરિષદ યોજી આ પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. સાથે તેમણે ચૂંટણી પંચથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર ભાજપ સાથે સંડોવણીના આક્ષેપ કર્યા હતા.
ન્યાયતંત્ર તરફથી પણ ન્યાય મળ્યો નહીં, આખું વહીવટીતંત્ર સામે પડયું
મમતા બેનરજીએ કહ્યું કે, મારે શા માટે રાજીનામું આપવું જોઈએ? હું હારી નથી. હું મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપું અને રાજભવન નહીં જાઉં. તેમણે ચૂંટણી પ્રક્રિયા, મત ગણતરી અને કેન્દ્રીય એજન્સીઓની ભૂમિકા પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. મમતાએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં તેમની સીધી લડાઈ ચૂંટણી પંચ સામે હતી. ચૂંટણી અધિકારીઓએ એક તરફી કામ કર્યું. ૯૦થી ૯૫ ટકા મતદાન સામે મમતાએ સવાલ ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમને ન્યાયતંત્ર તરફથી પણ ન્યાય મળ્યો નહીં અને આખું વહીવટીતંત્ર તેમના વિરુદ્ધ કામ કરી રહ્યું હતું.
દિલ્હીથી સંદેશા આવ્યા અને મત ગણતરી કેન્દ્રોને હાઈજેક કરી લેવાયા
મમતાએ સીઆરપીએફના જવાનો પર મતગણતરી વખતે તેમની સાથે ગુંડા જેવું વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે હાલત એવી હતી કે તૃણમૂલના ઉમેદવારોને પણ મતગણતરી કેન્દ્રમાં જતા રોકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું મેં મનમોહન સિંહ, દેવેગૌડા અને ગુજરાલની સરકારોને પણ જોઈ છે, પરંતુ આવો અત્યાચાર ક્યારેય જોયો નથી. રાજ્યમાં સોમવારનો દિવસ ઈતિહાસમાં કાળો દિવસ બની ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર વિલન છે. દિલ્હીથી સંદેશા આવ્યા અને મતગણતરી કેન્દ્રોને હાઈજેક કરી લેવાયા.
મત ગણતરીની ગતિ ઈરાદાપૂર્વક ધીમી રખાઈ, એજન્ટોને અંદર જતા રોકાયા
મમતાએ આક્ષેપ કર્યો કે, પહેલા એસઆઈઆરથી મતદારોને હટાવાયા અને હવે મતગણતરી કેન્દ્રોમાં વીજળી કપાઈ અને બળજબરીથી મતોની ચોરી કરાઈ. તેમણે ભાજપ પર ૧૦૦થી વધુ બેઠકો લૂંટવાનો અને મતગણતરીની ગતિ ઈરાદાપૂર્વક ધીમી રાખવાનો આક્ષેપ કર્યો હતો. અનેક મતગણતરી કેન્દ્રોમાં અંતિમ રાઉન્ડમાં તેમના પક્ષના એજન્ટોને અંદર જવા દેવાયા નહોતા. ઈવીએમને સીલ કર્યા વિના જ સ્ટ્રોંગ રૂમમાંથી લઈ જવાયા હતા.
ભાજપે સિસ્ટમ પર કબજો કરવા માટે લોકતંત્રની હત્યા કરી : મમતા
મમતાએ કહ્યું, હું પોતે ઉમેદવાર હોવા છતાં મને મતગણતરી કેન્દ્રમાં જવા દેવાઈ નહોતી અને મને ધક્કા મારીને બહાર કાઢી મુકાઈ હતી. આ મારું અપમાન છે. ભારત સરકારે ચૂંટણી પ્રક્રિયામાં સીધી દખલ કરી છે. ભાજપે સિસ્ટમ પર કબજો કરવા માટે લોકતંત્રની હત્યા કરી છે. આ રીતે ભાજપે મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણામાં વિજય મેળવ્યો હતો.
ઈન્ડિયા ગઠબંધનનું સંપૂર્ણ સમર્થન, ભાજપ સામે લડત ચાલુ રહેશે
મમતા બેનરજીએ દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધનના બધા નેતા તેની સાથે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેને તેમની સાથે વાત કરી હતી અને તેમને સમર્થન આપ્યું છે. ઈન્ડિયા ગઠબંધન એક છે અને ભાજપ વિરુદ્ધ લોકતાંત્રિક લડત ચાલુ રાખશે. મમતાએ ભાજપ પર જીતવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિ બનાવાશે, કાયદાકીય લડત લડીશું
મમતા બેનરજીએ કહ્યું કે, ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પર હુમલા કરાયા છે. અનેક નેતાઓના ઘર સળગાવાયા અને પક્ષના કાર્યકરો સાથે મારપીટ કરાઈ છે. મહિલાઓને બળાત્કારની ધમકી અપાઈ રહી છે. પક્ષ અને સમાજના દરેક વર્ગને નિશાન બનાવાઈ રહ્યા છે. અમે ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિ બનાવાશે. કેટલાક દસ્તાવેજો એકત્ર કર્યા છે અને તેને કાયદાકીય રીતે પડકારીશું. કલ્યાણ બેનરજીને આ પુરાવા અપાયા છે.
હું સ્ટ્રીટ ફાઈટર, અત્યાચારો સામે ફરી રસ્તા પર ઉતરીશ : મમતા
મમતા બેનરજીએ કહ્યું કે, હું મુખ્યમંત્રી હતી ત્યાં સુધી મેં અનેક બાબતો સહન કરી લીધી. હવે હું મુક્ત થઈ ગઈ છું. હવે હું એક સામાન્ય માણસ છું. હું આખું જીવન સ્ટ્રીટ ફાઈટર રહી છું. હું બધા જ અત્યાચારો સામે ફરી એક વખત રસ્તા પર લડવા માટે તૈયાર છું. મેં મારું આખું જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે. મારી ૧૫ વર્ષની સરકારમાં એક પણ દિવસનો પગાર નથી લીધો કે પેન્શન નથી લીધું. હવે હું આઝાદ છું અને એ કામ કરીશ જે મારે કરવું છે.
કાલે કાર્યકાળ પૂરો થતા આપમેળે સરકાર રદ થઈ જશે
મમતા બેનરજીને મુખ્યમંત્રીપદેથી હટાવવાનો રાજ્યપાલને અધિકાર
- ડાબેરીઓના 34 વર્ષના શાસન પછી પણ બુદ્ધદેવે તુરંત રાજીનામું આપી દીધું હતું : નિષ્ણાતો
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પછી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. જોકે, બંધારણીય સર્વેલન્સ માટે નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણીમાં પરાજય પછી કોઈ મુખ્યમંત્રી રાજીનામું આપવાનો ઈનકાર કરે તો બંધારણમાં રાજ્યપાલ પાસે તેમને પદ પરથી હટાવવાનો વિશેષાધિકાર છે.
બંગાળમાં અભૂતપૂર્વ વિજય મેળવી ભાજપ સત્તાની દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યો છે. આવા સમયે કોઈ મુખ્યમંત્રી ચૂંટણીમાં પરાજય સ્વીકારવાનો ઈનકાર કરી રાજીનામું આપવાનો ઈનકાર કરે તેવી કલ્પના તો ભારતીય બંધારણ ઘડનારાઓએ પણ કરી નહીં હોય. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસન પછી ૨૦૧૧માં ચૂંટણીમાં પરાજય થતા તત્કાલિન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યજીએ તુરંત રાજભવન જઈને રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશમાં લોકતાંત્રિક સત્તાના હસ્તાંતરણને આદર્શરીતે પૂરું કર્યું હતું.
બંધારણીય નિષ્ણાત અને લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચાર્યએ કહ્યું કે, મમતા બેનરજીએ મંગળવારે જાહેરાત કર્યા મુજબ પદ પરથી રાજીનામું ના આપે તો અભૂતપૂર્વ ઘટના બની જશે. નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરે તે પહેલાં મમતાએ રાજીનામું આપવું જ પડે. એક રાજ્યમાં બે મુખ્યમંત્રી હોઈ શકે નહીં. બંધારણીય નિષ્ણાતોએ ઉમેર્યું કે, મમતા બેનરજી મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપવાના નિર્ણય પર અડગ રહે તો રાજ્યપાલ પાસે કલમ ૧૬૪ હેઠળ તેમને પદ પરથી હટાવવાનો અને રાજ્યમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવા તથા તેમને શપથ અપાવવાનો વિશેષાધિકાર છે. એક વખત તેમની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય એટલે સરકારની વિદાય થવી જ જોઈએ. મમતા સરકારનો કાર્યકાળ ૭ મેએ પૂરો થાય છે. એટલે તેઓ રાજીનામું ના આપે તો પણ આપમેળે તેમનું મંત્રીમંડળ રદ થઈ જશે. આ સ્થિતિમાં રાજ્યપાલને તેમને પદ પરથી હટાવવાની પણ જરૂર નહીં રહે.


