India

મહારાષ્ટ્ર : નાંદેડમાં ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરથી પેસેન્જર વાન ફંગોળાઈ, 9નાં મોત

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સાંજે 6:30 વાગ્યે ટ્રક અને ટાટા મેજિક વાન વચ્ચે ભયાનક ટક્કર થઈ. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર : નાંદેડમાં ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરથી પેસેન્જર વાન ફંગોળાઈ, 9નાં મોત

Nanded Road Accident : મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક અને ટાટા મેજિક પેસેન્જર વાન વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં 9 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મૃત્યુઆંક વધવાની આશંકા

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ કમનસીબ ઘટના સાંજે આશરે 6:30 વાગ્યે નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં બની હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે વાનના ફુરચેફુરચા ઊડી ગયા

અહેવાલો અનુસાર, ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલા બેફામ ટ્રકે સામેથી આવી રહેલી ટાટા મેજિક વાનને ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. અકસ્માત સમયે બંને વાહનોની ગતિ ખૂબ વધારે હોવાથી વાનના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તે ફંગોળાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી.

9 લોકોના ઘટનાસ્થળે જ મોત

વાનમાં કુલ 12 મુસાફરો સવાર હતા, જે તમામ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે 9 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો અને રોડ પર મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા.

ગામલોકો દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી 3 ઈજાગ્રસ્તોને તાબડતોબ ભોકર અને નાંદેડની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટક્કર બાદ ટ્રકનો આગળનો ભાગ પણ કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે ટ્રક ડ્રાઈવર કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પોલીસ અને બચાવ દળે ભારે જહેમત બાદ તેને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કોની ભૂલ હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.