India

'મહા'પોલિટીક્સ: ભાજપ સામે પવારનો 'પાવર', કોંગ્રેસ અને ઠાકરે બંધુઓ એક, 3 નવા સમીકરણ

By GS TEAM
26 Dec 20253 mins read
TukuTouch Logo
Three Political Alliances Emerge in Maharashtra Before Municipal Elections : મહારાષ્ટ્રમાં 29 નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે. સત્તા મેળવવા માટે બિછાવાઈ રહેલી ચોપાટ જટિલ બની રહી છે, કેમ કે રાજ્યમાં હવે બે નહીં, પણ ત્રણ અલગ ગઠબંધનો ઊભરી રહ્યા છે. ચાલો જાણીએ કે, નવા રાજકીય સમીકરણ માંડી રહેલા રાજકીય પક્ષોમાં કોણ કોની સાથે છેડો ફાડી રહ્યું છે અને કોણ કોની સાથે બુચ્ચા કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મહા'પોલિટીક્સ: ભાજપ સામે પવારનો 'પાવર', કોંગ્રેસ અને ઠાકરે બંધુઓ એક, 3 નવા સમીકરણ

Three Political Alliances Emerge in Maharashtra Before Municipal Elections : મહારાષ્ટ્રમાં 29 નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે. સત્તા મેળવવા માટે બિછાવાઈ રહેલી ચોપાટ જટિલ બની રહી છે, કેમ કે રાજ્યમાં હવે બે નહીં, પણ ત્રણ અલગ ગઠબંધનો ઊભરી રહ્યા છે. ચાલો જાણીએ કે, નવા રાજકીય સમીકરણ માંડી રહેલા રાજકીય પક્ષોમાં કોણ કોની સાથે છેડો ફાડી રહ્યું છે અને કોણ કોની સાથે બુચ્ચા કરી રહ્યું છે.

મુંબઈ અને પૂણેમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળી રહ્યો છે 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (BMC) અને મહત્ત્વપૂર્ણ શહેર પૂણે(PMC)ની નગરપાલિકા ચૂંટણીઓમાં પક્ષોના જોડાણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નવાઈની વાત એ છે કે, રાજ્ય સરકારમાં એકસાથે કામ કરતાં પક્ષો પણ સ્થાનિક ચૂંટણીઓ માટે નવા પક્ષો સાથે ગઠબંધન કરી રહ્યા છે, જેના કારણે આ બે શહેરોમાં ત્રણ-ત્રણ ગઠબંધનો ચૂંટણી લડી રહ્યા છે.

પહેલું ગઠબંધન: ભાજપ અને શિંદેની શિવસેના

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં 'મહાયુતિ' (મોટું ગઠબંધન) છે, જેમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. પરંતુ નગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપે અજિત પવારની પાર્ટીને બાજુએ મૂકીને ફક્ત શિંદેની શિવસેના સાથે જ જોડાણ કર્યું છે. ભાજપ અને શિવસેના મળીને BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ લડી રહ્યા છે. ફડણવીસ પણ કહી ચૂક્યા છે કે શિવસેના તેમનો સહજ સાથી છે.

બીજું ગઠબંધન: પવાર પરિવારનું એકીકરણ

ભાજપના પગલાથી અલગ થયેલા અજિત પવારે નવો રસ્તો અપનાવતા તેમના કાકા શરદ પવારની એનસીપી(એસપી) સાથે જોડાણ કર્યું છે. મુંબઈ BMCમાં તો તેઓ એકલા લડશે, પરંતુ પૂણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અજિત પવાર અને શરદ પવારની પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. પૂણેમાં બેઠકોની વહેંચણી પર વાટાઘાટો ચાલી રહી છે. અજીત પવાર પૂણેના પ્રભારી મંત્રી છે. અંદાજ છે કે શરદ પવારની પાર્ટીએ 40થી 45 બેઠકોની માંગણી કરી છે, જ્યારે અજિત પવારની NCP 30 બેઠકો આપવા તૈયાર છે. 

ત્રીજું ગઠબંધન: કોંગ્રેસ અને ઠાકરે ભાઈઓ

આ બધા ફેરફારોને કારણે કોંગ્રેસે પણ પોતાની યુતિ બદલી છે. મુંબઈમાં તો તેમણે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના જોડાણથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ પૂણેમાં કોંગ્રેસ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસે આ જોડાણનો પ્રસ્તાવ શિવસેના(UBT)ને મોકલી દીધો છે અને બેઠક વહેંચણી પર ઝડપથી સહમતિ થવાની શક્યતા છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 41 વૉર્ડ અને 165 કાઉન્સિલર બેઠકો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે અજિત પવાર જૂથ સાથે જોડાશે નહીં.

નવા રાજકીય સમીકરણની શરુઆત

મહારાષ્ટ્રની નગરપાલિકા ચૂંટણીઓએ રાજ્યના રાજકારણને નવું સ્વરૂપ આપ્યું છે. રાજ્ય સરકારમાં સાથે હોવા છતાં સ્થાનિક સ્તરે પક્ષો અલગ અલગ ધ્રુવો તરફ જતાં જણાય છે. ભાજપ-શિવસેના, પવાર પરિવાર અને કોંગ્રેસ-ઠાકરે ભાઈઓના આ ત્રણ ગઠબંધનો ભવિષ્યમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરી શકે છે.