India

મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ

By GS Team
15 Oct 20244 mins read
This article was originally published on 15 Oct 2024
TukuTouch Logo
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે. આ પહેલા ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે હરિયાણા વિધાનસભા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે એવી ચર્ચા હતી કે, પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેર કરશે. જોકે પંચે બંને રાજ્યો માટે કોઈ જાહેરાત કરી ન હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ

Maharashtra-Jharkhand Election Date : ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ ચૂંટણીની જાહેરાત કરી છે. 

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે, ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન

ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. પેટા ચૂંટણીની વાત કરીએ તો દેશની કુલ 48 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.


ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર કરીને બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. પંચની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે. જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.


મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આ જાહેરાત મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.


ઝારખંડમાં 24 જિલ્લાની 81 બેઠકો પર મતદાન

ઝારખંડ ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ 81 બેઠકોમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.

મતદાન મથક પર ખુરશીઓની વ્યવસ્થા કરાશે

ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન વખતે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે કેટલીક ખુરશીઓ મુકવામાં આવશે. ખાસ કરીને મતદાન કરતી વખતે વૃદ્ધોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો

ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. મહારાષ્ટ્ર વિશે માહિતી આપતા CECએ કહ્યું કે રાજ્યમાં કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના મતદારોને અભિનંદન

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી કમિશનરે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના મતદારોને મતદાનમાં તેમની મજબૂત ભાગીદારી માટે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહીના તહેવારને ઐતિહાસિક બનાવ્યો છે. તેઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને તેમના અધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે મતાધિકારનો સારી રીતે ઉપયોગ કર્યો અને લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો છે. આ ચૂંટણીઓમાં જે જુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આ લોકતાંત્રિક યાત્રાને આગળ વધારવી એ જમ્મુ-કાશ્મીરના લોકો પર નિર્ભર છે.

‘કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના...’

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ.  મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં 130 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. દર ચૂંટણીમાં ઘટતી હિંસા અને વધતી જતી વોટ ટકાવારી દર્શાવે છે કે લોકો મતદાનમાં ભાગીદારી વધારી રહ્યા છે. કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના...

મહારાષ્ટ્રમાં તારીખો પહેલા જ દિવાળી બોનસની જાહેરાત 

ચૂંટણીની જાહેરાતની થોડી મિનિટો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નીચલા સ્તરના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. BMC કર્મચારીઓને 29 હજાર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગયા વર્ષ કરતાં ત્રણ હજાર વધુ છે. કિન્ડરગાર્ટન શિક્ષકો અને આશા વર્કરોને પણ બોનસ મળશે.

બંને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે

મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.

મહારાષ્ટ્રમાં કુલ 288 અને ઝારખંડમાં કુલ 81 બેઠક

મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.