ગુજરાત બાદ હવે આ રાજ્યની કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારીમાં ભાજપ! CMએ રિપોર્ટકાર્ડ માંગ્યા

CM Mohan Yadav Cabinet Expansion : ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના તાજેતરમાં જ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચા શરુ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારને બે વર્ષ પુરા થવાના છે, ત્યારે મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે તમામ મંત્રીઓ પાસે પોત-પોતાના વિભાગના કામકાજનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. એટલે કે હવે કામગીરીના આધારે જ મંત્રીમંડળમાં જગ્યા મળશે અથવા કોઈનું પત્તુ કપાશે.
CM મંત્રીઓ પાસે વિભાગીય કામકાજનો રિપોર્ટ માંગ્યો
રિપોર્ટ મુજબ, જો મધ્યપ્રદેશમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તો કેટલાક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, જ્યારે કેટલાક સિનિયર ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે છે. જે નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવાની ચર્ચા છે, તેમાં પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ, માલિની ગૌડ, અર્ચના ચિટનિસ, અજય વિષ્ણોઈ, હરિશંકર ખટીક અને લલિત યાદવ જેવા દિગ્ગજોના નામ સામેલ છે. આ નામોમાંથી કેટલાક દિગ્ગજો અગાઉ મંત્રી બની ચૂક્યા હતા અને તેમના સમર્થકો તેમને ફરી મંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
બિહાર ચૂંટણીમાં CM મોહન યાદવના પ્રચારથી હાઇકમાન્ડ ખુશ
રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ સરકાર કેટલાક વરિષ્ઠ મંત્રીઓને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી આપી શકે છે. એવું કહેવાય છે કે, મુખ્યમંત્રી મોહન યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારો પ્રચાર કર્યો હતો અને જીતમાં યોગદાન આપ્યું હતું, જેના કારણે દિલ્હીમાં તેમની પ્રશંસા થઈ રહી છે. આ જ કારણે હાઇકમાન્ડ મોહન યાદવને મંત્રીમંડળમાં ફેરફાર કરવા અને પોતાની પસંદગીની ટીમ બનાવવાની પરવાનગી આપી શકે છે.
કામગીરીનો રિપોર્ટ માંગવો એક સામાન્ય પ્રક્રિયા : ભાજપ પ્રદેશ પ્રવક્તા
ભાજપના પ્રદેશ પ્રવક્તાએ કહ્યું કે, ‘અમારી પાર્ટી દરેક સ્તરે કામની સમીક્ષા કરતી રહે છે. મુખ્યમંત્રી પણ દર મહિને અધિકારીઓ અને યોજનાઓની સમીક્ષા કરતા રહે છે. મધ્યપ્રદેશ સરકારને બે વર્ષ પૂરા થયા હોવાથી મંત્રીઓ પાસે વિભાગની કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં, તે મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે.’

