Get The App

ફાંસીની સજા મુદ્દે શેખ હસીનાની પ્રતિક્રિયા, કહ્યું- કટ્ટરપંથી સરકાર દ્વારા ચાલતી કોર્ટનો ભેદભાવપૂર્ણ ચુકાદો

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ફાંસીની સજા મુદ્દે શેખ હસીનાની પ્રતિક્રિયા, કહ્યું- કટ્ટરપંથી સરકાર દ્વારા ચાલતી કોર્ટનો ભેદભાવપૂર્ણ ચુકાદો 1 - image


Former Bangladesh PM Sheikh Hasina Sentenced to Death : બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (ICT) ‘માનવતા વિરુદ્ધના અપરાધો’ મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. જેના કારણે પહેલેથી જ હિંસાનો સામનો કરી રહેલા ઢાકામાં ફરી માહોલ ગરમાયો છે. શેખ હસીનાના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર આવી ગયા છે અને રસ્તાઓ પર દેખાવો કરી રહ્યા છે. બીજી તરફ શેખ હસીનાએ આઇસીટીના ચુકાદાને ગેરવ્યાજબી ગણાવ્યો છે. 

અવામી લીગને ખતમ કરવાનું યુનુસનું ષડયંત્ર : શેખ હસીના

શેખ હસીનાએ આક્રોશ સાથે કહ્યું કે, ‘ટ્રિબ્યુનલે અલોકતાંત્રિક અને પક્ષપાતી રીતે ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલ એવી વચગાળાની સરકાર હેઠળ કામ કરી છે, જેને લોકશાહીનો જનાદેશ જ મળ્યો નથી અને તેમના નિર્ણય રાજકીય પ્રેરીત છે. ટ્રિબ્યુનલે મને મોતની સજા સંભળાવી છે, જે સંકેત આપી રહ્યા છે કે, વચગાળાની સરકારના કટ્ટરપંથી તત્ત્વો બાંગ્લાદેશના અંતિમ ચૂંટાયેલા વડાપ્રધાનને ખતમ કરવા માંગે છે. આ ઉપરાંત તેઓ અમારી પાર્ટી અવામી લીગને પણ ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.’

‘યુનુસ સરકાર લોકોનું ધ્યાન ભટકાવી રહી છે’

હસીનાએ દાવો કર્યો છે કે, ‘બાંગ્લાદેશના લોકો ડૉ. મોહમ્મદ યુનુસ(Muhammad Yunus)ની આગેવાની હેઠળની વચગાળાની સરકારની અવ્યવસ્થિત, હિંસક અને નબળી કામગીરીનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે ત્યાં લોકો સરકારના નાટકીય મુદ્દાઓથી ભ્રમિત નહીં થાય. આઇસીટીએ જે ચુકાદો આપ્યો છે, તે ન્યાય આપવા માટે પણ ન હતો અને જુલાઈ-ઑગસ્ટ 2025ની ઘટનાઓનું સત્ય સામે લાવવા માટે પણ ન હતો. આઇસીટીનો ઉદ્દેશ્ય માત્ર અવામી લીગને બલિનો બકરો બનાવવાનો અને વચગાળાની સરકારની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવાનો હતો.’

કોર્ટે હસીનાને કેમ આપી ફાંસીની સજા?

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ICTએ આજે (17 નવેમ્બર) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવ્યા બાદ દેશમાં ભારે હોબાળો મચ્યો છે. જુલાઈ-ઑગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન થયું હતું, જેનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે અને હસીના પર માનવાધિકારનો ઉલ્લંધનના અનેક આરોપો લગાવ્યા છે.

કોર્ટે એવું પણ કહ્યું કે, ‘શેખ હસીનાએ શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર બોમ્બ ઝિંકવાનો આદેશ આપ્યો હતો અને તેઓ હજારો લોકોની હત્યાઓની માસ્ટરમાઇન્ડ હતી. આંદોલનમાં 1400 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 24000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’

આ પણ વાંચો : બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસી, માનવતા વિરુદ્ધના ગુના બદલ દોષિત જાહેર

હસીનાને ફાંસીની સજા બાદ ઢાંકામાં ઉગ્ર પ્રદર્શન

હસીનના સમર્થકો આઇસીટીના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ હસીનાના વિરોધીઓ પણ રસ્તાઓ ઉપર ઉતરી આવીને હંગામો મચાવી રહ્યા છે. આ ઉપરાંત રાજધાની ઢાકામાં શૂટ એન્ડ સાઇટના ઑર્ડર અપાયા છે. હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છો, જોકે પાર્ટીના કાર્યકર્તાઓ હસીનાના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે અને બે દિવસ બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો : સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા, હેલ્પલાઈન નંબર જાહેર

Tags :