બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય

Bihar Politics News : બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં ભાજપ-જનતાદળ યુનાઇટેડના ગઠબંધન NDAની પ્રચંડ જીત બાદ રાજ્યમાં નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પરિણામો સામે આવ્યા બાદ હવે રાજ્યમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, નવી સરકાર દારુબંધીના કાયદા-નિયમોની સમીક્ષા કરવા, રાજ્યની કમાણી વધારવા તેમજ કલ્યાણકારી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપી શકે છે. નવી સરકાર બનતા જ પ્રથમ કેબિનેટની બેઠક યોજાશે, જેમાં અનેક નિર્ણય થવાની સંભાવના છે. એવી પણ ચર્ચા છે કે, લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ) (LJPRV)ના પ્રમુખ ચિરાગ પાસવાન નાયબ મુખ્યમંત્રીનું પદ માંગી શકે છે.
રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ શું ફેરફારો થઈ શકે છે?
1... નવી સરકાર દારુબંધીની સમીક્ષા કરશે?
દાવા મુજબ, રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ દારુબંધીના નિયમો અને કાયદાઓની સમીક્ષા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર અન્ય રાજ્યોના દારુબંધીના કાયદાઓ-નિયમોનો અભ્યાસ કરીને રાજ્યમાં કેટલીક છૂટછાટ આપી શકે છે.
2... ચિરાગ પાસવાન નાયબ મુખ્યમંત્રીનું પદ માંગશે?
અગાઉની સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી હતી અને બંને ભાજપના જ હતા. જોકે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગની LJPRV પાર્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેને ધ્યાને રાખીને ચિરાગ નાયબ મુખ્યમંત્રીનું પદ માંગી શકે છે.
3... પ્રથમ કેબિનેટમાં કયાં નિર્ણયો લેવાશે?
નવી સરકારની રચના બાદ પહેલો નિર્ણય શું લેવાશે, તેવું કોઈપણ વચન NDAના ચૂંટણી ઢંઢેરામાં અપાયું નથી. જોકે ચૂંટણીમાં યુવાઓ અને મહિલાઓએ NDAને મત આપ્યા છે, તેથી નવી સરકાર નોકરી, રોજગાર અથવા વેલ્ફેર સ્કીમની જાહેરાત કરી શકે છે. નવી સરકાર ખેડૂતો માટે પણ કેટલાક મોટા નિર્ણયો કરે, તેવી સંભાવના છે.
4... બિહાર સરકારની કમાણી વધારવાની પણ યોજના
બિહાર સરકાર આવક વધારવા માટે દારુબંધી કાયદાની સમીક્ષા કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં રોકાણકારોને લાવવાની પણ યોજના બનાવી શકે છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું હતું કે, બિહારના લોકો નવી સરકારની કામગીરીથી ગૌરવ અનુભવશે અને રોકાણકારો બિહાર આવશે.

