સુપર અલ નીનો : 146 વર્ષમાં જૂનમાં સૌથી ઓછો વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ
જૂનમાં પૂર્વોત્તર-પૂર્વીય ભારતમાં 44 ટકા, દક્ષિણ ભારતમાં 30 ટકા, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ
દુષ્કાળની આશંકા વચ્ચે ચોમાસાના કુલ વરસાદમાં 10 ટકા ઘટની આગાહી
નવી દિલ્હી: ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશમાં ૧૪૬ વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ થયો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસુ પહોંચી ગયું પરંતુ ૧૫ જૂન પછી ચોમાસુ આગળ વધ્યું નહીં, જેથી જૂનમાં સમગ્ર દેશમાં ૪૦ ટકા અને મધ્ય ભારતમાં ૬૦ ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૧૪મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે. આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર ૧૦ ટકાની ઘટ પડવાની સંભાવના છે. કેરળમાં ૪ જૂને સમયસર ચોમાસાનું આગમન થઈ ગયું હતું, પરંતુ ત્યાર તે પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના ભાગોમાં ફેલાઈ ગયું હતું. જોકે, ૧૫ જૂન પછી ચોમાસાની આગેકૂચ અચાનક જ રોકાઈ ગઈ હતી. દેશમાં ૧૪૬ વર્ષમાં પહેલી વખત જૂન ૨૦૨૬માં સૌથી ઓછો વરસાદ થયો છે. ચોમાસાની સક્રિયતા ઘટવાથી લગભગ છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો નથી. પરિમામે જૂનમાં વરસાદની સમગ્ર દેશમાં ૪૦ ટકા અને મધ્ય ભારતમાં ૬૦ ટકા ઘટ જોવા મળી છે.
જૂનમાં પૂર્વોત્તર અને પૂર્વીય ભારતમાં ૪૪ ટકા, દક્ષિણ ભારતમાં ૩૦ ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૨૭ ટકા ઓછો વરસાદ થયો છે. રાજ્યો મુજબ જોઈએ તો દેશમાં મેઘાલયમાં સૌથી વધુ ૮૨ ટકા, ગુજરાતમાં ૭૯, મણિપુરમાં ૭૧, છત્તિસગઢમાં ૬૮, ઝારખંડમાં ૬૬, મહારાષ્ટ્રમાં ૫૯, ઉત્તર પ્રદેશમાં ૫૬, ઓડિશામાં ૫૨ અને બિહારમાં ૫૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૭ જૂન સુધીમાં ચોમાસાએ દેશના માત્ર ૫૫ ટકા ભાગને આવરી લીધો છે. મહારાષ્ટ્રને કવર કરતા ચોમાસુ મધ્ય પ્રદેશ અને બિહાર સુધી પહોંચી ગયું છે. આ વખતે મુંબઈમાં ચોમાસુ ૧૨ દિવસના વિલંબથી આવ્યું હતું. ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનો કારણભૂત હોવાનું કહેવાય છે.
આ પહેલાં વર્ષ ૨૦૦૨ના જૂનના અંત સુધીમાં ચોમાસાએ માત્ર ૫૦થી ૫૫ ટકા હિસ્સો આવરી લીધો હતો, જ્યારે ૧૫ ઓગસ્ટ સુધીમાં ચોમાસાએ દેશના ભાગોને આવરી લીધા હતા. આ વર્ષે ફરી એક વખત જૂન પૂરો થવા આવ્યો હોવા છતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી, જેથી દેશમાં દુષ્કાળની આશંકા પ્રવર્તી રહી છે. દેશમાં ૨૫ વર્ષમાં છ વખત અલ નીનોની અસર જોવા મળી, જેમાંથી પાંચ વખત દુષ્કાળ અથવા ઓછો વરસાદ આવ્યો હતો.
જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓછા વરસાદનો અર્થ દુષ્કાળ નથી. દેશમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૧૪ વખત ચોમાસુ વિલંબથી આગળ વધ્યું હતું, જેમાં ૭ વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય અથવા તેનાથી વધુ રહ્યો હતો. ૨૦૧૯માં અલ નીનોની અસર છતાં ૧૦ ટકા વધુ વરસાદ થયો હતો. આ વખતે આગામી ચાર-પાંચ દિવસમાં ચોમાસુ આગળ વધીને દિલ્હી-ઉત્તર પ્રદેશ સુધી પહોંચી શકે છે. ત્યાર પછી દેશમાં વરસાદ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી શકે છે, જેને પગલે ચોમાસાની સીઝન પૂરી થવા સમયે વરસાદની ૧૦ ટકા ઘટ જોવા મળે તેવી સંભાવના છે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
- પાંચ સિસ્ટમોનો ચોમાસાનો અવરોધ
નવી દિલ્હી: હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાંચ અલગ અલગ સિસ્ટમ એક સાથે સક્રિય થતાં વરસાદના વિરોધમાં કામ કરી રહી છે. વરસાદમાં વિલંબનું પહેલું કારણ નબળી મેડેન જુલિયન ઓસિલેશન સિસ્ટમ છે. આ સિસ્ટમ વાદળો અને તોફાનની એક મોટી લહેર છે, જે પ્રત્યેક ૩૦થી ૬૦ દિવસમાં આખી દુનિયાનું ચક્કર લગાવે છે. આ સિસ્ટમ હિન્દ મહાસાગર પર આવતા વરસાદ તિવ્ર થઈ જાય છે. જૂનમાં તે આગળ વધી ગઈ અને વરસાદ પણ તેની સાથે જતો રહ્યો. આ સિવાય નબળી સોમાલી જેટ એવી હવા છે, જે આફ્રિકાથી અરબ સાગરના માર્ગે ભારત સુધી ભેજ લાવે છે. આ વખતે આ હવા ખૂબ જ નબળી હતી, જેથી ભેજ ભારત સુધી પહોંચી નહીં. વધુમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણથી આવતી ગરમ અને સૂકી હવાએ મધ્ય ભારત ઉપર એક ઢાંકણા જેવી અસર બનાવી, જેથી વાદળ વરસાદમાં પરિવર્તિ થઈ શક્યા નહીં. જૂનમાં ઈન્ડિયન ઓશન ડાયપોલ સામાન્ય રહ્યું. તે હિન્દ મહાસાગરના બે ભાગના તાપમાનનું અંતર છે. આ વખતે તે ન્યુટ્રલ રહ્યું, જેથી ચોમાસાને જરૂરી મદદ મળી નહીં. વધુમાં બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળી સિસ્ટમ બની નહીં, જે વરસાદને દેશની અંદરના ભાગ સુધી ખેંચી લાવતી હોય છે.









