'કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે...’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટકમાં કોંગ્રેસ ખંડણી ગેંગ ચલાવી રહી છે. ટેન્કર માફિયાઓ પાણી માટે પૈસા વસુલી રહ્યા છે અને તેનું કમિશન કોંગ્રેસના લોકો સુધી પણ પહોંચી રહ્યું છે.'
PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસ પર પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસ 2જી કૌભાંડ જેવું લાખો કરોડનું કૌભાંડ કરવાના સપના જોઈ રહી છે. સાતમીએ કર્ણાટકને લૂંટનારને સજા થવી જોઈએ કે નહીં? 2024ની ચૂંટણી ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીઓનો ઉદ્દેશ્ય વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો અને દેશને વિશ્વની ત્રીજુ સૌથી મોટું અર્થતંત્રમાં બદલવાનો છે.'
પીએમ મોદીએ શ્રીનિવાસ પ્રસાદના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કર્ણાટકના બીજેપીના વરિષ્ઠ નેતા શ્રીનિવાસ પ્રસાદના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, શ્રીનિવાસ પ્રસાદનું સોમવારે(29મી એપ્રિલ) સવારે નિધન થયું હતું. પીએમ મોદી કહ્યું કે, 'સંસદમાં મારા સાથી, ભાજપના વરિષ્ઠ નેતા અને સામાજિક ન્યાયના અગ્રણી સૈનિક શ્રીનિવાસ પ્રસાદજી હવે આપણી વચ્ચે નથી. શ્રીનિવાસ પ્રસાદજી કર્ણાટકના ચામરાજનગરથી સાંસદ હતા. આટલા દાયકાઓ સુધી ફેલાયેલા તેમના સામાજિક જીવનમાં તેમણે દરેક ક્ષણે ગરીબો, શોષિતો અને વંચિતોની સેવા કરી હતી.'
10 વર્ષમાં મોદીએ દરેક વર્ગની ચિંતા કરી છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં મોદીએ દરેક વર્ગની ચિંતા કરી છે જેને કોંગ્રેસે દુઃખી જીવન જીવવા માટે મજબૂર કર્યા હતા. આજે કોંગ્રેસ એક જ વારમાં ગરીબી હટાવવાનો દાવો કરે છે, પરંતુ તેમની 60 વર્ષની સરકાર, તેમની ઘણી પેઢીઓનું કામ સાક્ષી છે કે વંચિત વર્ગ પ્રત્યે તેમની માનસિકતા કેવી રહી છે? આ દેશમાં કરોડો પરિવારો જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત હતા. તેમના દુ:ખની કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોને કોઈ ચિંતા નહોતી.'