Get The App

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી 1 - image

- દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી

- અનેક રાજ્યોમાં શાળા-કોલેજોના સમય બદલાયા, બાળકોને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ઓઆરએસ, ઠંડું પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો. અગાઉ ૨૦૨૨માં બાંદાનું મહત્તમ તાપમાન ૪૭.૪ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના કેટલાય શહેરોનું તાપમાન ૪૨-૪૩ ડિગ્રીને પાર પહોંચીને ૪૫ ડિગ્રીની નજીક નોંધાતા જનજીવન બેહાલ થયું હતું. દેશના અનેક રાજ્યોમાં કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. કેટલાય રાજ્યોમાં શાળા-કોલેજોનો સમય બદલી નાખવો પડયો હતો. દિલ્હીમાં બે દિવસ ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.

ઉત્તર ભારતમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો હતો. ઉત્તર પ્રદેશનું બાંદાં ૪૭.૬ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. યુપીના પાટનગર લખનઉમાં તાપમાનનો પારો ૪૦.૮ ડિગ્રી નોંધાયો હતો, પરંતુ ગરમી જાણે ૪૫ ડિગ્રી પડતી હોય એવો લોકોને અનુભવ થયો હતો. આગરા, પ્રયાગરાજ, હમીરપુર, ઓરઈ જેવા સ્થળોએ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવનને વ્યાપક અસર થઈ હતી. રાજસ્થાનમાં જેસલમેર ૪૬.૪ ડિગ્રીમાં અગનભઠ્ઠી બન્યું હતું. બાડમેરમાં ૪૬ ડિગ્રી, ફલોદીમાં ૪૫.૪, ચુરુમાં ૪૫.૩, બિકાનેરમાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજસ્થાનના અનેક સ્થળો ૪૫ની નજીક તાપમાનના સાક્ષી બન્યા હતા અને એ રીતે બીજા બધા રાજ્યોની સરખામણીએ રાજસ્થાન વધારે ગરમ રહ્યું હતું.

જે સ્થળોએ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું એમાં ૪૫ ડિગ્રી સાથે ઝાંસી, ૪૪ ડિગ્રી સાથે રોહતક, ૪૩ ડિગ્રી સાથે ભટીન્ડા, દિલ્હીનો સમાવેશ થતો હતો. ઉત્તર ભારતના તો સંખ્યાબંધ શહેરોમાં તાપમાનનો પારો ૪૩થી ૪૪ની નજીક રહ્યો હતો. દિલ્હીમાં એટલો અસહ્ય તાપ અનુભવાયો હતો કે કેટલાક પક્ષીઓ પણ ગરમીના કારણે મૃત્યુ પામ્યાં હતાં. જોકે, અચાનક દિલ્હીનું તાપમાન બે દિવસ બદલાઈ જવાનું હોવાથી ગરમીથી આંશિક રાહત મળશે. દિલ્હીમાં વરસાદની સાથે આગામી ૪૮ કલાકમાં ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

દિલ્હી સહિતના કેટલાય રાજ્યોમાં શાળા-કોલેજોના સમય બદલી નાખવા પડયા હતા. દેશના અનેક રાજ્યોના જિલ્લા સરકારી તંત્રએ શાળા-કોલેજોના મેનેજમેન્ટને તાકીદ કરી હતી કે બાળકો હીટવેવનો ભોગ ન બને તેવા પગલાં ભરો. ઓઆરએસ અને ઠંડું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ થયો હતો. અનેક શાળાઓની આઉટડોર એક્ટિવિટી તાકીદને અસરથી બંધ કરવામાં આવી હતી. પેરેન્ટ્સને પણ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને શાળાએ મોકલતા પહેલાં તેમને હીટવેવથી બચાવવાના ઉપાયોનું ધ્યાન રાખો. તેમને પાણીની બોટલો આપવાની સાથે માથે પહેરવા કેપ આપવા સહિતની ભલામણો કરવામાં આવી હતી.

ઓડિશા, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. ઓડિશાના છ જિલ્લામાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રીની વચ્ચે નોંધાતા સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી હતી, તો વળી હિમાચલ પ્રદેશમાં કરા પડે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં વાતાવરણમાં એકાએક પલટો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.