મુંબઈના કોલાબા સ્થિત McDonald'sનું લાયસન્સ સસ્પેન્ડ, FDAના અધિકારીએ લીધા સખત પગલાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Colaba McDonalds License Suspended: મહારાષ્ટ્રમાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) નું ચેકિંગ અભિયાન સતત ચાલી રહ્યું છે. જેના હેઠળ અનેક ઓનલાઇન ફૂડ ડિલિવરી સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં તાજેતરમાં મુંબઈના કોલાબા સ્થિત McDonald’s ના એક આઉટલેટની તપાસ કરવામાં આવી હતી. જેમાં કિચનમાં સ્વચ્છતાના અભાવની સાથે વંદાઓ (કોકરોચ) પણ મળી આવ્યા હતા, જેથી તાત્કાલિક એક્શન લેતા FDA એ આ સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
તપાસમાં સામે આવી આ ખામીઓ
મુંબઈના કોલાબામાં હાર્ડકાસ્ટલ રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા McDonald’s ચલાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ટના કિચનની જ્યારે FDA એ તપાસ કરી, તો જોવા મળ્યું કે કિચન ખૂબ જ ગંદુ હતું અને તેમાં અનેક જીવતા વંદાઓ પણ હતા. ત્યારબાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતા FDA એ 19 ઓગસ્ટ 2026 થી તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. FDA એ અગાઉ 12 ઓગસ્ટે તપાસ કરી ત્યારે ઘણી ખામીઓ મળી હતી. તે સમયે કંપનીએ 148 પેજનો રિપોર્ટ આપીને દાવો કર્યો હતો કે, તમામ ખામીઓ સુધારી દેવાઈ છે. પરંતુ 19 ઓગસ્ટે જ્યારે ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે મોટાભાગની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી હતી. 20 માંથી 18 ખામીઓ સુધારવામાં આવી નહોતી, જેના કારણે આ સખત નિર્ણય લેવાયો છે.
કિચનમાં જોવા મળી આ ગંભીર બેદરકારી
રસોડામાં જીવતા વંદાઓ મળ્યા અને જીવજંતુઓ રોકવા માટે જરૂરી ટ્રેપ પણ લગાવાયા નહોતા.
ખોરાકની સામગ્રી પાસે જ ફ્લોર પર સડેલો કચરો પડ્યો હતો.
ફ્રિજ અને રેફ્રિજરેશન યોગ્ય તાપમાન દર્શાવતા નહોતા, જેથી વાસી કે ખરાબ ખોરાકની સુરક્ષા પર સવાલો ઊભા થયા.
ખાદ્યપદાર્થોના સંપર્કમાં આવતી જગ્યાઓ પર ગંદા કપડાંનો ઉપયોગ થઈ રહ્યો હતો.
પેકેજિંગ મટીરિયલ યોગ્ય રીતે ઢાંકીને રાખવામાં આવ્યું નહોતું.
રસોઈ બનાવવાની જગ્યા ઉપર લાઈટો પર ધૂળના થર જામ્યા હતા.
કર્મચારીઓએ ગંદા બૂટ પહેર્યા હતા, અને તેને હાથ પણ લગાવી રહ્યા હતા. સફાઈના ગંદા કપડાં અડ્યા પછી કોઈ કર્મચારી હાથ ધોયા વગર જ ખોરાક બનાવી રહ્યો હતો.
થઈ શકે છે કાનૂની કાર્યવાહી
આ તમામ ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને FDA એ આઉટલેટને વધુ સમય આપવાને બદલે સીધું જ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું. હવે આ આઉટલેટ લાયસન્સ સસ્પેન્ડ રહે, ત્યાં સુધી ખોરાક બનાવવા, વેચવા કે વિતરણ કરવા માટે સક્ષમ નથી. જો સસ્પેન્શન દરમિયાન પણ કામ ચાલુ રાખવામાં આવશે, તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. FDA આગળ પણ આ સ્થળ પર નજર રાખશે.









