India

લો કરો વાત, જથ્થાબંધ ફુગાવો ૯.૯૨ ટકાને પાર...

By GS Team
15 Sep 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં મોંઘવારીનો રાક્ષસ વધુ વિકરાળ બન્યો છે. ઓગસ્ટના અંતે જથ્થાબંધ ફુગાવો 9.92% પર પહોંચ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં 10% વટાવવાની ભીતિ છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને નબળા વરસાદને કારણે દૂધ, ઘી, શાકભાજી જેવા તમામ ખાદ્યપદાર્થો મોંઘા બન્યા છે. આમ, ગુજરાતીઓને નવરાત્રિ અને દિવાળી કાળઝાળ મોંઘવારીમાં ઉજવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લો કરો વાત, જથ્થાબંધ ફુગાવો ૯.૯૨ ટકાને પાર...
  • મોંઘવારી દિવસે ના વધે તેટલી રાત્રે, રાતે ના વધે તેટલી દિવસે વધે છે
  • રિટેલ ફુગાવો સતત ૧૦ મહિનાથી વધતો રહ્યો : ઓગસ્ટમાં શહેરોમાં ફુગાવો ૫.૯૫ ટકા, ગામડાઓમાં ફુગાવો ૬.૧૩ ટકા
  • ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના લીધે સપ્ટેમ્બરમાં ફુગાવો ૧૦ ટકાએ પહોંચવાની ચેતવણી
  • જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ૨.૭૪ ટકા હતો

નવી દિલ્હી : ભારતીયોએ આ વખતની નવરાત્રિ અને દિવાળી કાળઝાળ મોંઘવારી વચ્ચે ઉજવવી પડે તેમ લાગે છે. દેશમાં દૂધ, દહી, છાશ, ઘી, તેલ,શાકભાજી, અનાજ ખાંડ, પેટ્રોલ બધુ જ મોંઘુ થઈ રહ્યુ છે. આ મોંઘવારીનું પ્રતિબિંબ પાડતા હોય તેમ જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટના અંતે ડબલ ફિગર નજીક ૯.૯૨ ટકાએ પહોંચી ગયો હતો. સપ્ટેમ્બરમાં તે વધીને ૧૦ ટકાથી પણ વધુ થાય તેવી અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે. આ સિવાય રિટેલ ફુગાવો પણ વધીને ૪.૮૨ ટકા થયો છે. તંત્ર એકબાજુએ ઉજવણી અને આયોજનો વ્યસ્ત છે તો બીજી બાજુએ પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. દિવાળી મનાવતા દેવાળું નીકળી જાય તેવી સ્થિતિ છે.
જથ્થાબંધ ફુગાવામાં સતત થઈ રહેલા વધારાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલતુ યુદ્ધ અને તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. આ ઉપરાંત નબળા વરસાદે પણ ફુગાવામાં વૃદ્ધિની સંભાવનામાં વધારો કર્યો છે. આ બતાવે છે કે આગામી મહિનાઓમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ઓગસ્ટમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસની મોંઘવારીનો દર ૩૪.૪૧ ટકા રહ્યો છે. જુલાઈમાં તે ૨૬.૯૯ ટકા હતો. એટલે કે એક જ મહિનામાં તેમા નોંધપાત્ર વધારો થતાં કિંમતો પર દબાણ ખાસ્સુ વધી ગયું છે. તેની અસર ઇંધણ અને વીજ પુરવઠા પર પણ દેખાઈ રહી છે. જુલાઈમાં તેમા ૨૦.૦૫ ટકાની તુલનાએ ઓગસ્ટમાં તે વધીને ૨૨.૯૩ ટકા થઈ ગયો છે. ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવો વધીને સાત ટકાએ પહોંચી ગયો છે, જે ૨૦ મહિનાના ઊંચા સ્તરે છે. ઓગસ્ટમાં તે ૬.૬ ટકા હતો. ફળ, શાકભાજી, દધ, મસાલા અને ખાંડના ભાવ વધતાં ખાદ્ય ફુગાવામાં વધારો થયો છે.
અર્થશાસ્ત્રીઓએ ઓગસ્ટના અંતે રિટેલ ફુગાવો ૪.૮૦ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. તેઓએ ૪.૪૦ ટકાથી લઈને ૫.૦૫ ટકાની વચ્ચે અંદાજ મૂક્યો હતો. આ પહેલા જુનમાં રિટેલ ફુગાવાએ ચાર ટકાની સપાટી તોડી હતી અને ૩.૯૩ ટકાથી ઉપર જઈ ૪.૩૮ ટકા થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો ૨.૭૪ ટકા હતો. તેના પછી રિટેલ ફુગાવો સતત વધ્યો છે.
ઓગસ્ટનો આ મોંઘવારી દર ત્યારે સૌથી વધારે છે જ્યારે ભારતે આ વર્ષના પ્રારંભમાં નવા આધાર વર્ષ અને અપડેટેડ કન્ઝમ્પશન બાસ્કેટની સાથે પોતાની સંશોધિત સીપીઆઈ સીરીઝ અપનાવી છે.
રિઝર્વ બેન્કને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રિટેલ ફુગાવો પાંચ ટકાની અંદર રાખવાની જવાબદારી આપવામાં આવી છે. ઓગસ્ટમાં ખાંડનો ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયો હતો. તેની સીધી અસર મોંઘવારીના દર પર પડી હોવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ખાંડની કિંમતો ઘટાડવા માટે તેની નિકાસ પર પ્રતિબંધ મેના પ્રારંભમાં શરુ થયો હતો અને હવે તે સપ્ટેમ્બરના અંત સુધી લાગુ રહેશે.
ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવાનો દર જુલાઈના ૫.૫૨ ટકાથી વધીને ૫.૯૫ ટકા થઈ ગયો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર ૫.૭૯ ટકા અને શહેરી વિસ્તારોમાં ૬.૧૩ ટકા હતો. સર્વગ્રાહી ગ્રામીણ ફુગાવો ૪.૮૪ ટકાથી વધીને ૫.૨૩ ટકા થયો છે. જ્યારે શહેરી ફુગાવો ૩.૯૬ ટકાથી વધી ૪.૩૧ ટકા થયો છે.
ડુગળીના ભાવમાં જ જોઈએ તો જુલાઈમાં ૨૨.૫૪ ટકાની સામે ઓગસ્ટમાં તેના ભાવ ૪૮.૨૭ ટકા વધ્યા છે. લસણનો ભાવ ૪૩.૬૦ ટકા વધ્યો છે. આદુનો ભાવ ગયા વર્ષની તુલનાએ ૭૩.૮૨ ટકા વધ્યો છે. જો કે જુલાઈ કરતાં તે ઘટયો છે.
મોંઘવારીનું વલણ હવે દક્ષિણપશ્ચિમ ચોમાસાની પ્રગતિ અને ખાવા-પીવાની ચીજોના ઉત્પાદન પર ઘણી હદ સુધી નિર્ભર કરશે. હવે જ્યાં સારો પાક લઈ શકાશે ત્યાં ભાવોને અંકુશમાં રાખી શકાશે. બીજી બાજુએ અસમાન વરસાદ, વાતાવરણમાં ફેરફારથી મુખ્ય કૃષિ ઉત્પાદનોની કિંમત પર દબાણ પડવાની સંભાવના છે.
ક્રૂડ ઓઇલની કિંમતો અને સપ્લાય સાથે જોડાયેલા દબાણમાં કમી આવવાના કારણે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોંઘવારીનો અંદાજ ૫.૧ ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યો છે.
ભારત માટે ગ્લોબલ એનર્જીની કિંમત પણ મોટું જોખમ છે. ક્રૂડ ઓઇલનો ભાવ હાલમાં પ્રતિ બેરલ ૧૧૦ ડોલરની આસપાસ છે તે જોતાં સપ્ટેમ્બરનો ફુગાવો ઓક્ટોબરથી પણ વધી જાય તો આશ્ચર્ય નહીં થાય. ભારત ક્રૂડ ઓઇલની જરુરિયાતના ૮૮ ટકાની આયાત કરે છે. આ સંજોગોમાં ઇંધણના ભાવ વધી શકે છે. આના પગલે ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. તેની સાથે જ રુપિયા પર દબાણ વધવાની સંભાવના છે.