India

કોઈનું દિલ તોડવાનું કાયદો ગુનો નથી ગણતો... કર્ણાટક હાઇકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
કર્ણાટક હાઈકોર્ટે લગ્નના ખોટા વચન આપી બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ એક વ્યક્તિ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે આ મામલે ટિપ્પણી કરી હતી કે, પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોમાં નિષ્ફળતા મળે, ત્યારે તેને ગુનાઇત કૃત્ય ગણાવી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈનું દિલ તોડવાનું કાયદો ગુનો નથી ગણતો... કર્ણાટક હાઇકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Law does'nt criminalise heartbreak: Karnataka HC: કર્ણાટક હાઈકોર્ટે લગ્નના ખોટા વચન આપી બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ એક વ્યક્તિ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે આ મામલે ટિપ્પણી કરી હતી કે, પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોમાં નિષ્ફળતા મળે, ત્યારે તેને ગુનાઇત કૃત્ય ગણાવી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગતો મુજબ, અરજદાર (પુરુષ) અને ફરિયાદ કરનાર મહિલા આયર્લેન્ડમાં અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીરે ધીરે તેમનો પરિચય પ્રેમમાં પરિણમ્યો અને તેઓ લાંબા સમય સુધી 'લિવ-ઈન રિલેશનશિપ'માં રહ્યા. આ સંબંધની શરૂઆત થઈ ત્યારે મહિલા પરિણીત હતી અને તેને એક બાળક પણ હતું. જો કે, એ સમયે તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલતી હતી.

આ દરમિયાન તેમના સંબંધોમાં તિરાડ પડી અને તેઓ ભારત પરત આવ્યા, ત્યારે મહિલાએ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 69 અને 115(2) હેઠળ ફરિયાદ દાખલ કરી. તેમાં આક્ષેપ કરાયો હતો કે, પુરુષે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

સંમતિ વિરુદ્ધ બળજબરીમાં કોર્ટનું અવલોકન

કર્ણાટક હાઈકોર્ટે ફરિયાદ અને સંજોગોની ઊંડી તપાસ કર્યા બાદ નોંધ્યું કે, આ એક લાંબા ગાળાનો સહમતિભર્યો સંબંધ હતો. આ ફરિયાદમાં ક્યાંય પણ બળજબરી, છેતરપિંડી કે શરૂઆતથી જ દગાખોરીનો ઉલ્લેખ નથી. આ સંબંધ બે વર્ષથી વધુ સમય સુધી સાથ-સંગાથ અને પરસ્પર સંમતિ પર આધારિત હતો. અહીં હિંસાનો નહીં પણ વિશ્વાસઘાતનો આક્ષેપ છે અને કાયદો હૃદય તૂટવાની પીડાને ગુનો ગણતો નથી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે પહેલીવાર 'ઈચ્છામૃત્યુ' ની મંજૂરી આપી, ચુકાદો સંભળાવતા જસ્ટિસ રડી પડ્યા

કાયદાકીય મર્યાદા અને સુપ્રીમ કોર્ટના સંદર્ભો

આ સુનાવણીમાં જસ્ટિસ નાગપ્રસન્નાએ જણાવ્યું કે ફોજદારી ન્યાય પ્રણાલી એ રાજ્યની શક્તિનું સાધન છે, તેનો ઉપયોગ અંગત વિવાદો કે નિષ્ફળ ગયેલા પ્રેમ સંબંધોમાં વેર લેવા માટેના હથિયાર તરીકે ન થવો જોઈએ. કર્ણાટક હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને સમજાવ્યું કે, વચનનો ભંગ અને ખોટા વચન વચ્ચે તફાવત છે. જો કોઈ વ્યક્તિએ શરૂઆતથી જ છેતરવાના ઈરાદે લગ્નનું વચન આપ્યું હોય તો જ તે ગુનો બને છે. જો પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી સંબંધમાં રહે અને બાદમાં લગ્ન ન થઈ શકે, તો અગાઉની સંમતિ આપોઆપ ગુનામાં પરિવર્તિત થતી નથી.

કાયદાનો દુરુપયોગ રોકવા એફઆઈઆર રદ

છેલ્લે હાઈકોર્ટે ચેતવણી આપી હતી કે જો દરેક તૂટેલા સંબંધને ગુનો ગણીશું, તો કોર્ટ ન્યાયના મંદિરને બદલે અંગત અદાવતની પતાવટનું મેદાન બની જશે. આ કેસમાં ગુનાના કોઈ નક્કર તત્ત્વો નથી. એટલું જ નહીં, હાઈકોર્ટે અરજદાર વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો અને આ ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી.