કિરેન રિજિજૂ સાંભળતા નથી, તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવો ! ખડગેએ PM મોદીને લખ્યો પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mallikarjun Kharge Letter PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે (16 જુલાઈ 2026) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, મહિલા અનામત અને સીમાંકન (પરિસીમન) સંબંધિત બિલ અંગે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા લખેલા આ પત્રમાં ખડગેએ જણાવ્યું કે, આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં તેમણે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને અનેક વખત પત્ર લખીને વિનંતી કરી હતી કે, કેન્દ્ર સરકાર સીમાંકન અને તેનાથી જોડાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે સર્વદળીય બેઠક યોજે. પરંતુ કમનસીબે તેમની આ વિનંતીઓ સ્વીકારવામાં આવી ન હતી.
ખડગેએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સંવિધાન (131મો સુધારો) ખરડો, 2026 આ વર્ષે 17 એપ્રિલના રોજ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યો ન હતો. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, કેટલાક અહેવાલો દ્વારા તેમને માહિતી મળી છે કે, કેન્દ્ર સરકાર હવે આગામી ચોમાસુ સત્ર દરમિયાન સંવિધાન (131મો સુધારો) ખરડો, 2026નું સંશોધિત સંસ્કરણ ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આથી તેમણે વડાપ્રધાનને વિનંતી કરી છે કે, 'સરકારના સીમાંકન સંબંધિત સંશોધિત પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે એક સર્વદળીય બેઠક બોલાવવાની કૃપા કરો અને તેને સંસદમાં રજૂ કરતા પહેલા અમને તેનો વિગતવાર અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે.'

એપ્રિલમાં લટકી ગયું હતું 131મો બંધારણીય સુધારો બિલ
બંધારણ (131મો સુધારો) ખરડો, 2026 નો મુખ્ય હેતુ મહિલા અનામતને 2029 થી લાગુ કરવાનો અને લોકસભા તેમજ વિધાનસભા મતવિસ્તારોના સીમાંકન (ડીલિમિટેશન) અને લોકસભા બેઠકોની સંખ્યામાં ફેરફારનો માર્ગ મોકળો કરવાનો હતો. આ બિલ 17 એપ્રિલ 2026 ના રોજ લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી ન મળવાના કારણે અટકી ગયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ સીમાંકન બિલનો સખત વિરોધ ચાલુ રાખશે, અને વિપક્ષી એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
સંસદમાં સરકારને ઘેરશે કોંગ્રેસ
જયરામ રમેશે માહિતી આપી હતી કે, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સીમાંકન બિલ ઉપરાંત પેપર લીક, મોંઘવારી અને અન્ય લોકહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો સરકાર વર્તમાન 543 લોકસભા બેઠકો પર જ મહિલા અનામત લાગુ કરીને 181 બેઠકો મહિલાઓ માટે અનામત રાખે તો, કોંગ્રેસ તેને સમર્થન આપશે, પરંતુ મહિલા અનામતના નામે સીમાંકન (ડીલિમિટેશન) કરવાની સરકારની કોશિશ બિલકુલ સ્વીકાર્ય નથી. કોંગ્રેસ અન્ય વિપક્ષી પક્ષો સાથે સતત સંપર્કમાં છે, અને તેમને ખાતરી છે કે, સરકાર આ બિલ માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકશે નહીં.









