E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોરચો: PM નિવાસ તરફ માર્ચ દરમિયાન પોલીસે અધવચ્ચે અટકાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal E20 fuel protest Delhi Police : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે E20 ફ્યુલ સામે મોરચો ખોલતાં વડાપ્રધાન આવાસ તરફ એક વિશાળ માર્ચ કાઢી હતી. દેશભરમાંથી એકત્ર કરવામાં આવેલી જનજાગૃતિ અને અરજીઓને વડાપ્રધાન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, જૈસ્મિન શાહ સહિત પાર્ટીના અન્ય શીર્ષ નેતાઓને ફિરોઝશાહ રોડ પર જ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આગળ વધવાની મંજૂરી ન આપવામાં આવતા, કેજરીવાલ સહિતના તમામ AAP નેતાઓ અને કાર્યકર્તાઓ ફિરોઝશાહ રોડ પર જ વચ્ચે રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.
100 જેટલા નેતાઓ જોડાયા માર્ચમાં
આ વિરોધ માર્ચમાં આમ આદમી પાર્ટીના આશરે 100 જેટલા પ્રમુખ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે E20 ઇંધણના વિરોધમાં દેશભરમાંથી 2.30 લાખથી વધુ નાગરિકોની સહીઓ અને અરજીઓ એકત્રિત કરવામાં આવી છે. આ તમામ અરજીઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે સોંપવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
2 લાખથી વધારે લોકોએ લખ્યાા PM ને પત્ર
માર્ચ અને ધરણાં પ્રદર્શન દરમિયાન અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે E20 ફ્યુલની નીતિ સામે 2 લાખથી વધુ લોકોએ વડાપ્રધાનને પોતાના પત્રો લખ્યા છે. તેઓ આ તમામ પત્રો કોઈ માધ્યમ દ્વારા નહીં પરંતુ પોતે રૂબરૂ વડાપ્રધાનને સોંપવા માંગે છે. કેજરીવાલે ઉમેર્યું હતું કે તેમણે આ અંગે વડાપ્રધાનને મેસેજ પણ મોકલ્યો છે અને તેમને પૂર્ણ આશા છે કે વડાપ્રધાન તેમની સાથે મુલાકાત કરશે અને જનતાનો આ અવાજ સાંભળશે.
ફિરોઝશાહ રોડ બન્યો રાજનીતિનો અખાડો
આ વિરોધ પ્રદર્શનને કારણે ફિરોઝશાહ રોડ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. AAP નેતાઓનું માનવું છે કે E20 ઇંધણના અમલીકરણથી વાહનચાલકો અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધમાં આ અવાજ ઉઠાવવો અનિવાર્ય બન્યો હતો. જનતાના વ્યાપક હિતો અને વાહનોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસન સાથેની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની જીદ પર અડગ રહ્યા હતા અને વડાપ્રધાન કાર્યાલય તરફથી સંતોષકારક પ્રતિસાદ અથવા મુલાકાતની રાહ જોઈ રહ્યા હતા.









