તમે શક્તિશાળી છો એટલે સાચા બની જતા નથી : જિનપિંગનો ટ્રમ્પને ટોણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : દુનિયામાં 'જેની લાઠી તેની ભેંસ', શક્તિશાળી લોકોની જ બોલબાલા હોય છે. જોકે, હવે દુનિયા આ સિદ્ધાંતને અમાન્ય ઠેરવી રહી છે. તમે શક્તિશાળી હોવ એટલે સાચા બની જતા નથી તેમ કહેતા ચીનના પ્રમુખ શી જિનપિંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું, આજે દુનિયા એક સદીમાં ના જોયા હોય તેવા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે ગ્લોબલ સાઉથ દુનિયાને બહુધુ્રવીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જિનપિંગે ગ્લોબલ સાઉથ અને બ્રિક્સને મજબૂત કરવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ અને એન્જિનિયરિંગ ટ્રેઈનિંગ અલાયન્સ સહિત પાંચ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ જિનપિંગે 'ગ્રેટર બ્રિક્સ'નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે અમેરિકા અને યુરોપના દેશોનું નામ લીધા વિના કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બાબતોમાં 'જેની લાઠી તેની ભેંસ'નો સિદ્ધાંત હવે માન્ય નથી અને બધા જ દેશોને સંપ્રભુ સમાનતા મળવી જોઈએ. પોતે શક્તિશાળી છે તો સાચા છે તેવી માનસિક્તા હવે ચાલી શકે નહીં. બધા દેશો માટે આંતરરાષ્ટ્રીય કાયદા એક સમાન લાગુ થવા જોઈએ અને બેવડાં ધોરણો રાખવા જોઈએ નહીં. નિયમો વિનાની દુનિયા ટ્રાફિક લાઈટ વિનાના ચાર રસ્તા સમાન છે જ્યાં અરાજક્તા નિશ્ચિત છે. દેશનો આકાર, શક્તિ અથવા આર્થિક સ્થિતિ ગમે તે હોય, વૈશ્વિક સમુદાયમાં બધા દેશોને સમાન દરજ્જો મળવો જોઈએ.
આગામી બ્રિક્સ સમિટ હવે ચીનમાં યોજાવાની છે ત્યારે જિનપિંગે કહ્યું બ્રિક્સે વિકાસશીલ બજારો અને ગ્લોબલ સાઉથ સાથે મળીને સપ્લાય ચેઈન સુરક્ષિત રાખવા અને વિશાળ એકીકૃત બજાર ઊભું કરવા કામ કરવું જોઈએ. જિનપિંગે ગ્લોબલ સાઉથ અને બ્રિક્સને મજબૂત બનાવવા માટે તેમજ ઉત્પાદન, વેપાર અને ટેક્નોલોજીમાં સહકાર વધારવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ અને એન્જિનિયરિંકગ ટ્રેનિંગ અલાયન્સ સહિત પાંચ વૈશ્વિક પહેલો પર ભાર મૂક્યો હતો.
શી જિનપિંગે વેપાર અને ઔદ્યોગિક સમન્વયને સરળ બનાવવા માટે બ્રિક્સ વિશેષ આર્થિક ક્ષેત્ર ભાગીદારી અને ડિજિટલ કૌશલ વિકાસ માટે બ્રિક્સ ડિજિટલ ઈકોસિસ્ટમ ક્લાઉડ પ્લેટફોર્મની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જિનપિંગે કહ્યું, બ્રિક્સ દેશોમાં ઉત્પાદનને આધુનિક બનાવવા માટે સ્માર્ટ ફેક્ટરીઓના નિર્માણ માટે ચીન મદદ કરશે અને એન્જિનિયરોની યોગ્યતાને વૈશ્વિક ઓળખ અપાવવા તથા સંયુક્ત વિકાસ માટે 'બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન'ની રચના કરશે.
તેમણે કહ્યું કે, ગ્લોબલ સાઉથ પોતાના સામૂહિક ઉદય સાથે વિશ્વને બહુધુ્રવીય બનાવવાનું મુખ્ય ચાલક બળ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા વધી છે. વૈશ્વિક પરિદૃશ્ય જોખમો અને પડકારોથી ભરેલું છે. વિશ્વમાં સ્થિરતા લાવવા માટે બ્રિક્સ દેશોએ ઐતિહાસિક પહેલોને અપનાવવી પડશે. આંતરરાષ્ટ્રીય બાબતોમાં સક્રિય, સ્થિર અને સકારાત્મક શક્તિ બનવું પડશે અને માનવતાના કલ્યાણ પર ધ્યાન આપવું પડશે.
- દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે : બ્રિક્સનો બળાપો
નવી દિલ્હી : ભારતમાં યોજાયેલા વૈશ્વિક સંમેલનમાં બ્રિક્સ નેતાઓએ દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બ્રિક્સ સમિટના ઘોષણાપત્રમાં જણાવાયું કે, આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી (આઈએઈએ)ના સંપૂર્ણ નિરીક્ષણ હેઠળ ચાલી રહેલા શાંતિપૂર્ણ પરમાણુ એકમો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા ઈરાદાપૂર્વકના હુમલા ગંભીર બાબત છે. સામાન્ય લોકો અને પર્યાવરણને બચાવવા માટે યુદ્ધના સંજોગોમાં પણ પરમાણુ સુરક્ષાને વિશેષ મહત્વ આપવું જોઈએ. ઘોષણાપત્રમાં અમેરિકા અને ઈઝરાયેલનું નામ લીધા વિના ઈરાનમાં તેણે પરમાણુ એકમો પર કરેલા હુમલાની આકરી ટીકા કરવામાં આવી હતી.




