India

જિયોની છ લાખ ગામોમાં ઈન્ટરનેટ, 1600 સેટેલાઈટ છોડવાની યોજના

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ઈલોન મસ્કના આક્ષેપો બાદ સેટેલાઈટ ઈન્ટરનેટ ફરી ચર્ચામાં છે. રિલાયન્સ જિયો અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક પહોંચાડવા 1600 સેટેલાઈટ છોડશે અને 23 ગ્રાઉન્ડ સ્ટેશન બનાવશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું કે, ભારત કોઈ ક્ષેત્રમાં મોનોપોલીને મંજૂરી આપતું નથી. સ્ટારલિંક, જિયો અને વનવેબને લાઈસન્સ મળ્યા છે, પરંતુ તેમણે સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવી પડશે. અમેઝોન પણ લાઈસન્સ પ્રક્રિયામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિયોની છ લાખ ગામોમાં ઈન્ટરનેટ, 1600 સેટેલાઈટ છોડવાની યોજના
  • ઈલોન મસ્કના આક્ષેપો પછી સેટેલાઈટ ઈન્ટરનેટ ફરી ચર્ચામાં
  • સેટેલાઈટ ઈન્ટરનેટના લાઈસન્સ માટે અમેઝોન પણ લાઈનમાં, બધી કંપનીઓએ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવી પડશે : સિંધિયા

નવી દિલ્હી : દેશ તિવ્ર ગતિએ ડિજિટલ ઈન્ડિયા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં મોબાઈલ નેટવર્ક અથવા ઈન્ટરનેટ પહોંચાડવું સરળ નથી. આવા અંતરિયાળ ગામડા, ટાપુ, સમુદ્રી ક્ષેત્રો અને સરહદીય વિસ્તારોમાં સેટેલાઈટથી ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવા રિલાયન્સ જિયોએ અંદાજે ૧૬૦૦ સેટેલાઈટ છોડવાની અને ૨૩ ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની યોજના તૈયાર કરી છે. બીજીબાજુ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું, ભારત કોઈપણ સેક્ટરમાં મોનોપોલીને મંજૂરી આપતું નથી.
અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે કેટલાક ઉદ્યોગપતિઓ તેમની કંપની સ્ટારલિંકના ભારત પ્રવેશમાં અવરોધો ઊભા કરી રહી છે તેવા આક્ષેપો મૂક્યા પછી ભારતમાં ફરી એક વખત સેટેલાઈટ ઈન્ટરનેટની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકારે ઈલોન મસ્કની સ્ટારલિંકની સાથે રિલાયન્સ ગૂ્રપની જિયો અને ભારતી જૂથની યુલેટસેટ વનવેબને સેટેલાઈટ ઈન્ટરનેટનું લાઈસન્સ આપ્યું છે.
રિલાયન્સ જિયોએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૬માં સેટેલાઈટ ઈન્ટરનેટ મારફત દેશના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની યોજના રજૂ કરી હતી. જિયોના આ પ્લાનનો આશય જમીન પરના મોબાઈલ અને ફાઈબર નેટવર્ક સાથે સેટેલાઈટ ઈન્ટરનેટને જોડવાનો છે. કંપનીની યોજના છ લાખથી વધુ ગામો સુધી નેટવર્ક પહોંચાડવાનો છે.
જિયોની પ્રસ્તાવિત યોજનામાં લગભગ ૧,૬૦૦ લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ પણ સામેલ છે. આ સેટેલાઈટ પૃથ્વીની નીચલી કક્ષામાં રહીને નેટવર્ક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. આ નેટવર્કને જમીન પર હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડવા માટે ભારતમાં ૨૩ ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની પણ કંપનીની યોજના છે. આ સ્ટેશન સેટેલાઈટ નેટવર્ક અને ધરતી પરના વર્તમાન કમ્યુનિકેશન સિસ્ટમ વચ્ચે કડીનું કામ કરશે.
દરમિયાન ઈલન મસ્કના સ્ટારલિંકના ભારત પ્રવેશ અંગેના આક્ષેપોના જવાબમાં કોમ્યુનિકેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત કોઈપણ સેક્ટરમાં મોનોપોલીને મંજૂરી આપતું નથી. સેટેલાઈટ ઈન્ટરનેટ માટે ત્રણેય કંપનીઓને સેટકોમના લાઈસન્સ મળ્યા છે, પરંતુ તેમણે કામગીરી શરૂ કરતાં પહેલાં વ્યક્તિગત રીતે સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવી પડશે. સેટેલાઈટ ઈન્ટરનેટ માટે અમેઝોન પણ લાઈસન્સ લેવાની પ્રક્રિયામાં છે. સરકાર સેટેલાઈટ ટેલિકોમ સેવાઓ માટે કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં છે.