India

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ કાર્ય શરૂ

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આજે સોમવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એશિયાના સૌથી ઊંચા અને પ્રખ્યાત 'ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર'માં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાતા રોપવે સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. આ ખામીના કારણે સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા હતા. કાશ્મીરના આ હિલ સ્ટેશન પર અચાનક બનેલી આ ઘટનાથી પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા SDRF, NDRF, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ કાર્ય શરૂ

Gondola Service Technical Fault: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આજે સોમવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એશિયાના સૌથી ઊંચા અને પ્રખ્યાત 'ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર'માં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાતાં રોપવે સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. આ ખામીના કારણે સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા હતા. કાશ્મીરના આ હિલ સ્ટેશન પર અચાનક બનેલી આ ઘટનાથી પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં SDRF, NDRF, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

300 લોકો રોપવેની કેબિનમાં ફસાયા હોવાનો અંદાજો

પ્રખ્યાત ગુલમર્ગ રોપવેમાં ખામી સર્જાયા બાદ સેંકડો પ્રવાસીઓ હવામાં અધવચ્ચે ફસાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 300 લોકો રોપ-વેની કેબિનમાં ફસાયેલા છે. રોપવેની કેબિન અચાનક અટકી જવાથી અફરાતફરી મચી ગઈ હતી. હવામાં ફસાયેલા પ્રવાસીઓ ચીસાચીસ કરવા લાગ્યા હતા. તરત જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સેના, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સામેલ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે પરિસ્થિતિ પર અમારી નજર છે. ગભરાવાની જરૂર નથી.


હવામાન ખરાબ થતાં રેસ્ક્યૂમાં તકલીફ

ગુલમર્ગમાં SDRF, NDRF અને ગુલમર્ગ ગોંડોલાની QRT ટીમ દ્વારા  તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન ખરાબ હોવાને કારણે રેસ્ક્યૂમાં થોડી મુશ્કેલી સર્જાઇ, છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. સીડી અને કેબલની મદદથી રેસ્ક્યૂ ટીમ દરેક કેબિન સુધી પહોંચી રહી છે. કલાકોની જહેમત બાદ મોટાભાગના પ્રવાસીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું નિવેદન

મુખ્યમંત્રી ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર સેવા અસ્થાયી રૂપે બંધ થયા બાદ સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તમામ કેબિન સુરક્ષિત છે અને ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે તાલીમબદ્ધ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.

કેબલ સિસ્ટમ ઘણી મજબૂત

ટેકનિકલ ટીમનું કહેવું છે કે સમગ્ર કેબલ સિસ્ટમ ઘણી મજબૂત છે, કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. કેબલને ખેંચતી મોટર્સને રોકી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જમ્મુ અને કાશ્મીર પોલીસના DGP ગુલમર્ગ માટે રવાના થઈ ગયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને સેના સહિત સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે.