Get The App

20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો 1 - image

કાશ્મીરના જંગલોમાં દોઢ મહિનાથી ચાલી રહેલું ઓપરેશન સફળ

સુરક્ષાદળોએ ઓપરેશન ત્રાશી-૧માં સૈફુલ્લાહ સહિત ત્રણ આતંકીઓના ઢીમ ઢાળી દીધા તે પહેલા ભારે ગોળીબાર થયો

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ખાતમા માટે હાલ મોટા પ્રમાણમાં સૈન્ય ઓપરેશનો ચાલી રહ્યા છે. ખાસ કરીને કિશ્તવારમાં છેલ્લા કેટલાક દિવસોથી સઘન તપાસ કરાઇ રહી છે, એવામાં જૈશ-ેએ-મોહમ્મદના ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર મારવામાં સૈન્યને સફળતા મળી છે. જે આતંકીઓ માર્યા ગયા છે તેમાં એક જૈશનો કમાન્ડર સૈફુલ્લાહ હોવાની સુરક્ષાદળોને શંકા છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો ઓળખી શકાય તેવી હાલતમાં નથી.

કથિત રીતે માર્યો ગયેલો આતંકી સૈફુલ્લાહ પાંચ વર્ષ પહેલા ઘૂસણખોરી કરીને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ્યો હતો, ત્યારથી તે ઘાટીના વિવિધ જંગલોમાં સક્રિય હતો. થોડા દિવસો પહેલા જ સુરક્ષાદળોએ એલર્ટ જાહેર કર્યું હતું કે સૈફુલ્લાહ કિશ્તવારના જંગલમાંથી ભાગવાની ફિરાકમાં છે. અને હવે કિશ્તવારમાં જ એન્કાઉન્ટરમાં તેને ઠાર મારવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જોકે તેમ છતા સુરક્ષાદળો માર્યા ગયેલા  આતંકીઓની ખરેખર ઓળખ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. 

સૈફુલ્લાહ ઘણા સમયથી સુરક્ષાદળોના નિશાના પર હતો, આશરે ૨૦ વખત તે છટકીને ભાગવામાં સફળ રહ્યો હતો, જોકે આ વખતે તેને ઠાર કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કિશ્તવારમાં સુરક્ષાદળો દ્વારા સઘન તપાસ કરાઇ રહી હતી ત્યારે હિલસાઇડ પર માટીના મકાનમાં આતંકીઓ છૂપાયા હોવાની શંકા જતા સામસામે ભારે ગોળીબાર થયો હતો. અત્યાર સુધીમાં સૈફુલ્લાહ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. જ્યારે હાલ આ વિસ્તારમાં હજુ પણ અન્ય આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.   સુરક્ષાદળો દ્વારા જાન્યુઆરી મહિનામાં આતંકીઓની શોધખોળ અને ખાતમા માટે ઓપરેશન ત્રાશી-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે કિશ્તવારના પહાડી અને જંગલના વિસ્તારોને નિશાન બનાવાયા હતા, આશરે દોઢ મહિનામાં સુરક્ષાદળોને સફળતા મળી અને સૈફુલ્લાહને આ વિસ્તારમાં જ ઠાર મારવામાં આવ્યો છે.  

- સૈફુલ્લાહ પાંચ વર્ષ પહેલા પાકિસ્તાનથી કાશ્મીરમાં ઘૂસ્યો હતો, અનેક હુમલાઓને અંજામ આપી ચુક્યો હતો

- આતંકીઓની ગોળી વાગી છતા સૈન્યનો શ્વાન ટાયસન ના હાર્યો

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં રવિવારે સુરક્ષાદળોએ ઓપરેશન ત્રાશી-૧ હેઠળ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જોકે સુરક્ષાદળોના આ ઓપરેશનનો હીરો જવાનો તો રહ્યા જ સાથે સાથે એક શ્વાનની પણ ભારે ચર્ચા થઇ રહી છે. ઓપરેશનમાં સૈન્યના ૨ પેરા સ્પેશિયલ ફોર્સના શ્વાન ટાયસનને પણ સામેલ કરવામાં આવ્યો હતો. ટાયસનની મદદથી જ સુરક્ષાદળો આતંકીઓને શોધવામાં સફળ રહ્યા હતા, આ ઓપરેશનમાં ટાયસનને એક ગોળી વાગી હતી જોકે તેમ છતા તેણે હિમ્મત દેખાડી હતી. આતંકીઓએ સૌથી પહેલી ગોળી ટાયસનને જ મારી હતી. જોકે ટાયસનને તાત્કાલીક સારવાર આપી દેવાઇ હતી જેને કારણે તેનો જીવ બચાવી શકાયો હતો.