ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ભારતે જાહેર કર્યું નિવેદન, જાણો શું કહ્યું
Israel-Iran Tension : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, તો વળતા જવાબમાં ઈરાને 100થી વધુ ડ્રોન એટેક કર્યા હતા. બંને દેશો વચ્ચે ઉથલપાથલ થતાં ભારતે મહત્ત્વનું નિવેદન જાહેર કરી બંને દેશોને શાંતિ જાળવવા કહ્યું છે.
ભારતે બંને દેશોને સંયમ જાળવવા કહ્યું
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમે ઈરાન-ઈઝરાયલ વચ્ચે તાજેતરમાં થયેલી ઘટનાથી ચિંતિત છીએ. અમે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો સંબંધિત રિપોર્ટો ઉપરાંત સ્થિતિ પર ધ્યાનથી નજર રાખી રહ્યા છીએ. આ સાથે ભારતે બંને દેશો સંયમ જાળવવા તેમજ કોઈપણ તણાવભર્યા પગલાથી બચવાનો આગ્રહ કર્યો છે. બંને દેશોએ વિવાદોનો નિવેડો લાવવા વાતચીત અને કૂટનીતિનો રસ્તો અપનાવવો જોઈએ.’
બંને દેશોમાં વસતા ભારતીયોને સાવધાન રહેવાની સલાહ
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ‘ભારતના બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે, તેથી અમે તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ. ભારત ઈઝરાયલ અને ઈરાનમાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે. સ્થિતિ ગંભીર હોવાથી ત્યાં રહેતા તમામ ભારતીયો સાવધાની રાખે, સુરક્ષિત રહે અને સ્થાનિક સુરક્ષા અધિકારીઓની સલાહનું પાલન કરે.’
આ પણ વાંચો : ઈરાનનો ઈઝરાયલ પર 100થી વધુ ડ્રોન વડે હુમલો
ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયલે આ હુમલાને ઓપરેશન રાઈજિંગ નામ આપ્યું છે. હાલ ઈરાન ન્યૂક્લિયર પાવર બનાવવાની દિશામાં ઝડપી કામગીરી કરી રહ્યું છે, જેનો ઈઝરાયલે વાંધો ઉઠાવ્યો છે. આ કારણે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરી મોટું નુકસાન કર્યું છે. હુમલામાં ઈરાનના સેના પ્રમુખ, IRGC ચીફ ઑફ સ્ટાફ જનરલ હોસેન સલામી, ઈરાન સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી તેમજ આઈઆરજીસી જનરલ ઘોલમ-અલી રશીદનું મોત થયું છે. ઈઝરાયલે પરમાણુ સંબંધીત કામગીરી કરી રહેલા વિજ્ઞાનીઓને પણ ટાર્ગેટ કર્યા છે. તેના ઓપરેશનમાં ઈરાનના બે વિજ્ઞાનીઓના મોત થયા છે.
ઈરાને ઈઝરાયલ પર કર્યો વળતો હુમલો
ઈઝરાયલના હુમલા બાદ ઈરાને વળતો જવાબ આપીને 100થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. ઈરાન પહેલેથી જ કહેતું હતું કે, ઈઝરાયલ હુમલો કરશે તો અમે પણ વળતો જવાબ આપીશું. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, ઈરાને અમારા દેશ પર 100થી વધુ ડ્રોન લોન્ચ કર્યા છે. ઘટના બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. જોકે ભારતે બંને દેશોને સંયમ રાખવાનો આગ્રહ કર્યો છે.
આ પણ વાંચો : ઈઝરાયલના હુમલામાં ઈરાનના બે ટોપ કમાન્ડર ઠાર, વિજ્ઞાનીઓને પણ નિશાન બનાવાયા