ઈઝરાયલના હુમલામાં ઈરાનના બે ટોપ કમાન્ડર ઠાર મરાયાનો દાવો, પરમાણુ વિજ્ઞાનીઓને પણ નિશાન બનાવાયા
Israel-Iran War: ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાન પર બોમ્બમારો કર્યો હતો. આ ઉપરાંત ઈઝરાયલે ઇરાની સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે, આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ માર્યા ગયા છે. આ ઉપરાંત ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ બાઘેરી, લશ્કરના ટોચના અધિકારીઓના અન્ય સભ્યો અને પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે.
ઈઝરાયલે કર્યા હવાઈ હુમલા
ઈઝરાયલે શુક્રવારે સવારે જ કહ્યું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યો હતો.
ઈઝરાયલ પર હુમલાનો ભય
ઈરાન પણ હવે ઈઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઓફિસો બંધ રાખવા કહેવાયું છે. લોકોને બંકરોમાં છુપાવા કહેવામાં આવ્યું છે. ઈઝરાયલ અગાઉ બે વખતની જેમ ભયાનક રીતે મિસાઈલ હુમલા કરી શકે છે.
આ પણ વાંચો: ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી ઈઝરાયલ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. તેણે આ મામલે ઘણીવાર તેને ચેતવણી પણ આપી હતી. જ્યારે અમેરિકાએ પણ આ મામલે ઈરાનને ચેતવણી આપતાં જ તેમના નાગરિકોને મધ્યપૂર્વના દેશોને છોડીને વતન પરત કરવા આદેશ કર્યો હતો.