પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો કે માત્ર મુસાફરીનો દસ્તાવેજ? 2010ના સરકારી રેકોર્ડમાં મળ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Passport Rules : દેશમાં હાલ નાગરિકતાના દસ્તાવેજોને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. તેવામાં સવાલ એ થાય છે કે શું પાસપોર્ટ નાગરિકતાની પાકી સાબિતી છે કે પછી તે વિદેશ પ્રવાસ માટેનો માત્ર એક દસ્તાવેજ છે. આ સવાલનો જવાબ વર્ષ 2010ના સરકારી રેકોર્ડ્સમાંથી મળે છે, જેમાં જુદા જુદા મંત્રાલયો વચ્ચે આ વિષય પર વિગતવાર ચર્ચા થઈ હતી.
આરટીઆઈ કાયદાનો લાભ કોને મળે?
વર્ષ 2010માં સરકારના વિવિધ મંત્રાલયો વચ્ચે એ વાત પર ચર્ચા થઈ હતી કે 'માહિતીનો અધિકાર' એટલે કે RTI કાયદાનો લાભ કોણ લઈ શકે. આ ચર્ચાના રેકોર્ડ દર્શાવે છે કે, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય એ વાત પર સહમત હતા કે, વિદેશમાં રહેતા ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકોને માહિતી મેળવવા માટે ભારતના નાગરિક ગણી શકાય.
કોણ માહિતી ન માંગી શકે?
આ સરકારી ચર્ચામાં વિદેશમાં રહેતા પાસપોર્ટ ધારકો (NRI)ને ભારતીય મૂળના લોકો (PIO) અને ભારતના વિદેશી નાગરિકોથી (OCI) અલગ માનવામાં આવ્યા છે. છે. સરકારના નિયમ મુજબ PIO અને OCI કાર્ડ ધરાવતા લોકો ભારતીય નાગરિક ન ગણાય, તેથી તેઓ આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને સરકારી માહિતી માંગી શકતા નથી.
આ વિવાદ ક્યારે શરૂ થયો?
આ નાગરિકતાનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકામાં રહેતા એક એનઆરઆઈએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. તેમણે માગ કરી હતી કે, વિદેશમાં રહેતા ભારતીયોને દેશની ચૂંટણીમાં વોટ આપવાનો અને શાસનમાં પોતાનો પક્ષ રાખવાનો અધિકાર મળવો જોઈએ. આ અરજી બાદ સરકારી વિભાગોમાં આરટીઆઈ કાયદા હેઠળ નાગરિકની વ્યાખ્યા નક્કી કરવા માટે મંથન શરૂ થયું હતું.
વિદેશ અને ગૃહ મંત્રાલયનો નિર્ણય
સરકારી દસ્તાવેજો પ્રમાણે કેટલાક લોકોએ OCI કાર્ડ ધારકોને પણ ભારતીય નાગરિકની વ્યાખ્યામાં સામેલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ આરટીઆઈ કરી શકે. જોકે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે માત્ર જે લોકો પાસે ભારતીય પાસપોર્ટ છે અને તેઓ વિદેશમાં રહે છે કે નોકરી કરે છે, તેઓ જ ભારત સરકાર પાસે માહિતી માંગી શકે છે.
સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની ભૂમિકા
વિદેશમાં રહેતા ભારતીય આરટીઆઈ કાર્યકરોને અરજી કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC) પાસે ગયા હતા. સીઆઈસીએ આ પ્રક્રિયા સરળ બનાવવા માટે અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. આ સુનાવણીમાં વિદેશ મંત્રાલયે ફરી સ્પષ્ટ કર્યું કે, પાસપોર્ટ ધારક એનઆરઆઈ જ સાચા નાગરિક છે અને ઓસીઆઈ કે પીઆઈઓ બાબતે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલયનો રહેશે કારણ કે તે આ બાબતોનું મુખ્ય મંત્રાલય છે.








