India

ચૂંટણી પંચમાં આંતરિક ખેંચતાણ! બે કમિશનરોએ કેન્દ્રને પણ કરી ફરિયાદ પરંતુ કોઈ કાર્યવાહી ના થઇ, RTI માં દાવો

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
RTI દ્વારા ચૂંટણી પંચમાં આંતરિક વિવાદનો ઘટસ્ફોટ થયો છે. 29 જુલાઈ 2026 ના રોજ બે ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીએ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખી સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ગર્ગે પૂર્વ ચર્ચા વિના અધિકારીઓની ફાળવણી કરી હતી, જેનાથી મતદાર યાદીની સંવેદનશીલ IT સિસ્ટમની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું. કેબિનેટ સચિવે હસ્તક્ષેપનો ઇનકાર કરી મામલો CEC ને મોકલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચમાં આંતરિક ખેંચતાણ! બે કમિશનરોએ કેન્દ્રને પણ કરી ફરિયાદ પરંતુ કોઈ કાર્યવાહી ના થઇ, RTI માં દાવો

ECI Controversy : ભારતીય ચૂંટણી પંચ (ECI) ની અંદર કામકાજની ફાળવણી અને મતદાતા યાદી સંબંધિત સંવેદનશીલ IT સિસ્ટમને લઈને ભારે વિવાદ અને આંતરિક ખેંચતાણ સર્જાઈ હોવાનો મોટો ખુલાસો એક RTI (માહિતીનો અધિકાર) અરજી દ્વારા સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 29 જુલાઈ 2026 ના રોજ બે ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીએ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ-અલગ પત્રો લખીને આયોગના સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગના વર્તન સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બંને કમિશનરોનો આક્ષેપ હતો કે મનીષ ગર્ગે આયોગ કે અન્ય સીનિયર અધિકારીઓ સાથે કોઈ પણ પૂર્વ ચર્ચા કે સંમતિ વિના જ ઉચ્ચ સ્તરના અધિકારીઓ વચ્ચે કામકાજ અને વિભાગોની ફાળવણીનો એકતરફી આદેશ જારી કરી દીધો હતો.

બંને ચૂંટણી કમિશનરોએ પત્રમાં આશંકા વ્યક્ત કરી હતી કે વહીવટી અને અધિકારીઓની ફેરબદલના આ એકતરફી નિર્ણયથી વોટર લિસ્ટના સંવેદનશીલ આઈટી સિસ્ટમની દેખરેખ અને ડેટાના કેન્દ્રીકરણને લઈને સુરક્ષા તેમજ પારદર્શકતા સામે મોટા જોખમો ઊભા થઈ શકે તેમ હતા.

આ ઉપરાંત, ડો. સુખબીર સિંહ સંધુએ ગર્ગ દ્વારા સતત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ડો. વિવેક જોશીએ ગંભીર દાવો કર્યો હતો કે તેમણે જ્યારે પ્રશાસન વિભાગ સંબંધિત ફાઇલ માંગી ત્યારે તેમને તે ફાઇલ પહોંચાડવાનો કે બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. બંધારણીય સંસ્થામાં ઊભા થયેલા આ સંકટને પગલે બંને કમિશનરોએ સીધા કેબિનેટ સચિવ હસ્તક્ષેપ કરે તેવી અપેક્ષા રાખી હતી.

જોકે, આ સમગ્ર વિવાદમાં કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથન અને કેન્દ્ર સરકારે સીધો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કેબિનેટ સચિવાલયનું માનવું હતું કે બંને ચૂંટણી કમિશનરોએ આ પત્રો પોતાની વ્યક્તિગત ક્ષમતામાં લખ્યા હતા અને તે આખા ચૂંટણી પંચ તરફથી કોઈ અધિકૃત પત્રવ્યવહાર નહોતો; જેથી સરકાર તરફથી કોઈ પણ પગલું ભરવું એ ચૂંટણી પંચની બંધારણીય સ્વાયત્તતા અને સ્વતંત્રતામાં કારોબારીનો સીધો હસ્તક્ષેપ ગણાત.

આથી, સંસ્થાની ગરિમા અને સ્વતંત્રતા જાળવી રાખવા માટે કેબિનેટ સચિવાલયે પત્રો મળ્યાની નોંધ લઈ મામલો આંતરિક રીતે ઉકેલવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના કાર્યાલયને ફોરવર્ડ કરી દીધો હતો, અને હવે આ મામલે અંતિમ નિર્ણય ચૂંટણી પંચે જ લેવાનો રહેશે.