BJPમાં આંતરિક ડખો: કેન્દ્રીય મંત્રીનો આરોપ- મને હટાવવા પાર્ટીના જ નેતાઓએ ષડ્યંત્ર રચ્યું, હાથ કાપી નાંખીશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jual Oram Statement Odisha BJP : કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જુએલ ઓરામે પોતાની જ પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલ્યો છે. ઓડિશાના રાઉરકેલામાં સંગઠિત ગુનાખોરીના કેસમાં તેમના અત્યંત નજીકના સહયોગી રાકેશ પાસવાનની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ આ આખો વિવાદ શરૂ થયો છે. રાકેશ પાસવાન પર સરકારી ગેસ્ટ હાઉસમાં ગુનેગારોને આશરો આપવાનો આરોપ છે. જોકે પાસવાને આ આરોપોને ફગાવી દીધા છે. શરૂઆતમાં ઓરામે કાયદાને પોતાનું કામ કરવા દેવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની જ પાર્ટીના વિરોધી જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી પદ અને રાજકીય છબી ખરાબ કરવાનું કાવતરું
સુંદરગઢ લોકસભા બેઠક પરથી 6 વખત સાંસદ રહી ચૂકેલા જુએલ ઓરામે ગંભીર આરોપ લગાવ્યો છે કે પાર્ટીના જ કેટલાક નેતાઓ તેમને બદનામ કરવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. આ નેતાઓ એવું માને છે કે જો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવે તો તેમને મંત્રી પદ મળી જશે. ઓરામે જણાવ્યું કે આ રાજકીય ષડયંત્ર બાદ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. પહેલા તેમણે આગામી ચૂંટણી ન લડવાનો વિચાર કર્યો હતો, પરંતુ હવે તેઓ 2029ની લોકસભા ચૂંટણી ચોક્કસપણે લડશે અને પોતાના વિરોધીઓનો સામના કરશે.
વિવાદિત નિવેદનથી રાજકારણમાં ગરમાવો
જુએલ ઓરામે સ્પષ્ટ કર્યું છે કે આ દુષ્પ્રચાર પાછળ કોણ છે તે જાણવા માટે તેઓ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ અંગે તેમણે ઓડિશા ભાજપના સંગઠન મહામંત્રીને પણ ફરિયાદ કરી છે. જોકે, વાતચીત દરમિયાન તેમણે એક અત્યંત આક્રમક નિવેદન પણ આપ્યું. તેમના અનુસાર "જે લોકો મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સામે કડક પગલાં લેવાની અને તેમના હાથ કાપી નાખવાની ક્ષમતા મારામાં છે." તેમના આ વિવાદિત નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં ભારે બબાલ મચી ગઈ છે.
BJD અને કોંગ્રેસે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રીના આ તીખા નિવેદન બાદ વિપક્ષી દળો બીજુ જનતા દળ(BJD) અને કોંગ્રેસે ભાજપને ઘેરવાનું શરૂ કર્યું છે. BJD નેતા પ્રમિલા મલિકે જણાવ્યું કે ઓરામ રાજ્યના મોટા આદિવાસી નેતા છે અને તેમનું આ નિવેદન દર્શાવે છે કે ભાજપમાં આંતરિક મતભેદ કેટલા ઊંડા છે. જ્યારે ઓડિશા કોંગ્રેસના પ્રમુખ ભક્ત ચરણ દાસે આ ભાષાને અસંસદીય ગણાવતા કહ્યું કે લોકશાહીમાં હિંસક નિવેદનોને કોઈ સ્થાન નથી અને આવી નિવેદનબાજી પક્ષની માનસિકતા છતી કરે છે.




