India

ઈન્સ્ટાગ્રામને પેઈડ જાહેરાતોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા આદેશ

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારે ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણની જાહેરાતો મુદ્દે મેટાને આકરી નોટિસ ફટકારી છે. ટેલિગ્રામ ચેનલો પર ગેરકાયદે કન્ટેન્ટ વેચાતું હોવાના આક્ષેપો છે. સરકારે આવા કન્ટેન્ટ દૂર કરી 7 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. મેટાએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી હોવાનું કહ્યું. જવાબ નહીં મળે તો પોક્સો કાયદા હેઠળ કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્સ્ટાગ્રામને પેઈડ જાહેરાતોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા આદેશ

ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણની જાહેરાતોથી વિવાદ, કેન્દ્ર સરકારની મેટાને નોટિસ
બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત કન્ટેન્ટ મુદ્દે કંપની ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે છે : મેટાનો કેન્દ્રને જવાબ
મેટા સાત દિવસમાં જવાબ નહીં આપે તો પોક્સો કાયદા હેઠળ કાર્યવાહીની સરકારની ચેતવણી
નવી દિલ્હી: વોટ્સએપના યુઝરનેમ ફીચર પછી હવે કેન્દ્ર સરકારે ઈન્સ્ટાગ્રામ પર પેઈડ જાહેરાતોમાં બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત કન્ટેન્ટ (સીએસઈએએમ) અંગે મેટાને આકરી નોટિસ ફટકારી છે અને તુરંત સુધારાત્મક પગલાં લઈ સાત દિવસમાં વિસ્તૃત જવાબ આપવાનું જણાવ્યું છે. બીજીબાજુ ટેક્નોલોજી જાયન્ટ મેટાએ જણાવ્યું કે, કંપની સીએસઈએએમ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઈન્સ્ટાગ્રામને સીએસઈએએમને પ્રોત્સાહન આપતી અને તેના સુધી પહોંચ સરળ બનાવતી બધી જ જાહેરાતો અને કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા આદેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર પેઈડ જાહેરાતોનો ઉપયોગ કથિત રીતે યુઝર્સને એવા બાહ્ય પ્લેટફોર્મ પર મોકલવા માટે કરાઈ રહ્યો હતો જ્યાં બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત ગેર કાયદે કન્ટેન્ટ હોય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'રેપ વીડિયો' અને 'ચાઈલ્ડ વીડિયો' જેવા શબ્દોવાળી પેઈડ જાહેરાતો દર્શાવાતી હોવાનો આક્ષેપ છે. આ જાહેરાતો મારફત યુઝર્સને એવી ટેલિગ્રામ ચેનલો પર લઈ જવાતા હતા જ્યાં કથિત રીતે સીએસઈએએમ કન્ટેન્ટ વેચાતું હતું. સરકારે સવાલ કર્યો કે આવી જાહેરાતોને મંજૂરી કેવી રીતે મળી.
આ બાબત સામે આવતા કેન્દ્ર સરકારે મેટાને તુરંત આવા કન્ટેન્ટના પ્રચાર અને પ્રસાર રોકવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત બાળકોના જાતીય શોષણ સંબંધિત ગેરકાયદે કન્ટેન્ટના પ્રસાર અને તેના સુધી પહોંચ સરળ બનાવવાના વધતા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે તેવા સમયે કેન્દ્ર સરકારે મેટાને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારે મેટાને આ અંગે માહિતી નહીં આપવાના કિસ્સામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અને બાળકોનું જાતીય ગુનાઓથી સંરક્ષણ કાયદા (પોક્સો), ૨૦૧૨ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે અલ્ગોરિધમ મારફત સીએસઈએએમના પ્રસાર વિરુદ્ધ તુરંત સુધારાત્મક પગલાં લેવા મેટાને નિર્દેશ આપ્યા છે.
કેન્દ્રની નોટિસના જવાબમાં મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની આ પ્રકારના કન્ટેન્ટને પહેલેથી શોધવા અને તેની ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા યુઝર્સની ઓળખ કરવા માટે એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. અમે સતત એવા ગૂનેગારોને શોધી રહ્યા છીએ, જેઓ અમારા ૩.૫ અબજ યુઝર્સ વચ્ચે છુપાઈ જાય છે અને અમારી પકડથી બચવાનો પ્રયત્ન કરે છે.
કંપનીએ ઉમેર્યું કે, અમારી નિષ્ણાત ટીમો સુરક્ષાને વધુ સારી બનાવવા, ગુનેગારોને જડમૂળથી ખતમ કરવા માટે નવી ટેક્નોલોજી વિકસિત કરવા અને નિયમોનો ભંગ કરતી વેબસાઈટોની લિંક બ્લોક કરવા માટે સતત કામ કરે છે.