India

તહેવારો પૂર્વે જ માઝા મૂકતી મોંઘવારી : રિટેલ ફુગાવો 5.54 ટકા, 23 મહિનાની ટોચે

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં રિટેલ ફુગાવો 5.54% થતાં મોંઘવારીનો માર પડ્યો છે. સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો 7.74% થયો, જેમાં ડુંગળી 109%, આદુ 63%, લસણ 54% અને લીંબુ 36% મોંઘા થયા. શહેરોમાં 4.88% અને ગામડામાં 6.08% ફુગાવો નોંધાયો, જેનાથી પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો પૂર્વે જ માઝા મૂકતી મોંઘવારી : રિટેલ ફુગાવો 5.54 ટકા, 23 મહિનાની ટોચે
  • શાસક પક્ષ ઉજવણીમાં મસ્ત, વિપક્ષ વિરોધમાં વ્યસ્ત, પ્રજા મોંઘવારીના મારથી ત્રસ્ત
  • મોંઘવારી શહેરોમાં ૪.૮૮ ટકા, ગામડામાં ૬.૦૮ ટકાને પાર ફુગાવાએ પાંચ વર્ષમાં પહેલી વખત પાંચ ટકાનો આંક વટાવ્યો
  • દેશમાં દુષ્કાળના વાગતા ડાકલાની વચ્ચે ફુગાવો વધતાં મોંઘવારીમાં વધારાથી લોકોનું જીવવું દોહ્યલું બન્યું

નવી દિલ્હી : દેશમાં એકબાજુએ દુષ્કાળના ડાકલા વાગ્યા છે ત્યારે બીજી બાજુએ કાળઝાળ મોંઘવારીનો માર પડતો હોય તેમ રિટેલ ફુગાવો છેલ્લા ચાર વર્ષમાં પહેલી જ વખત પાંચ ટકાને વટાવી જતાં સપ્ટેમ્બરના અંતે ૫.૫૪ ટકા થયો હતો, જે અગાઉના મહિને ૪.૮૨ ટકા હતો. બીજી બાજુએ ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બરના ૫.૯૭ ટકાથી વધીને ૭.૭૪ ટકા થયો હતો. આ બતાવે છે કે જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે ડુંગળી, આદુ, લસણ અને લીંબુના ભાવ કેવા આકાશને આંબવા લાગ્યા છે. આ સંજોગોમાં શાસક પક્ષ ઉજવણીમાં મસ્ત, વિપક્ષ વિરોધમાં વ્યસ્ત તો સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે.
ગરીબોની ડુંગળી ૧૦૯ ટકા, આદુ ૬૩ ટકા, લસણ ૫૪ ટકા, લિંબુ ૩૬ ટકા મોંઘા થયા : સપ્ટેમ્બરમાં ખાદ્યાન્ન ફુગાવો ૭.૭૪ ટકા થયો
રિટેલ ફુગાવાના નવો આંકડા ૨૦૨૪ના આધાર વર્ષના આધારે લેવાયા છે. આ આંકડા દર્શાવે છે કે શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘણો વધારે છે. ગ્રામીણ ફુગાવો ઓગસ્ટના ૫.૨૪ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૬.૦૮ ટકા થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ફુગાવો ૪.૩૧ ટકાથી વધીને ૪.૮૮ ટકા થયો છે.આમ તહેવારો પહેલા ભારતીયો પર બરોબર કાળઝાળ મોંઘવારીનો માર ઝીંકાયો છે.
ગ્રામીણ ભારતમાં ખાદ્યાન્ન ફુગાવો ૮.૦૬ ટકા પર છે. જ્યારે શહેરી ભારતમાં ખાદ્યાન્ન ફુગાવો ૭.૧૮ ટકા છે. આ બતાવે છે કે ચાલુ વર્ષે અલ નીનોના લીધે વરસાદ ઓછો પડયો છે તેની અસર ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયા પર વર્તાઈ રહી છે. જ્યારે શહેરી વિસ્તારોમાં પણ તેની અસર પડી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોની તુલનાએ ઓછી પડી છે.
ડુંગળી જેવી જીવનજરુરી ચીજવસ્તુના ભાવ જોઈએ તો ઓગસ્ટમાં તેના ભાવમાં ૪૮.૭૮ ટકા તો સપ્ટેમ્બરમાં તેના ભાવમાં ૧૦૮.૬૮ ટકાનો વધારો થયો છે. લોકોએ ડુંગળી લેતા જાણે રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. આદૂુના ભાવમાં ૬૨.૮૫ ટકાનો, લસણના ભાવમાં ૫૪.૬૨ ટકાનો અને લીંબુના ભાવમાં ૩૬.૪૧ ટકાનો વધારો થયો છે.
જો કે બટાટાના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકા, ટામેટાના ભાવમાં ૮.૬૨ ટકા, ભીંડાના ભાવમાં ૪.૪૮ ટકા અને કોકોનટના ભાવમાં ૩.૯૯ ટકાનો ઘટાડો થતાં ગ્રાહકોએ થોડી રાહત અનુભવી છે. ફૂડ ઇન્ફ્લેશન રેસ્ટોરા અને અન્ય વિસ્તારોમાં પણ પડયું હતું. સપ્ટેમ્બરમાં આ ફુગાવો વધીને ૯.૩૬ ટકા થયો હતો. આ સિવાય પર્સનલ કેર, સોશિયલ પ્રોટેકશન અને સર્વિસિઝ કેટેગરીએ ૧૩.૭૫ ટકા ફુગાવો નોંધાવ્યો હતો.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ફુગાવો ૫.૦૧ ટકા હતો અને ક્લોથિંગ અને ફૂટવેરના ભાવ ૩.૯૩ ટકા વધ્યા હતા. હાઉસિંગ, વોટર, વીજળી, ગેસ અને અન્ય ઇંધણે ૨.૭૪ ટકા ફુગાવો નોંધાવ્યો હતો.
હેલ્થ સર્વિસિઝે ૧.૯૪ ટકા અને એજ્યુકેશન સર્વિસિઝે ૩.૯૪ ટકા ફુગાવો નોંધાવ્યો હતો. રાજ્યોમાં જોઈએ તો તમિલનાડુએ સૌથી ઊંચો ૬.૮૧ ટકા ફુગાવો નોંધાવ્યો હતો, તેા પછી આવતા ઓડિશાએ ૬.૭૦ ટકા, મધ્યપ્રદેશે ૬.૬૮ ટકા, તેલંગણાએ ૬.૬૪ ટકા અને આંધ્રએ ૬.૨૯ ટકા ફુગાવો નોંધાવ્યો હતો. જ્યારે યુપીએ ૬.૦૮ તો મહારાષ્ટ્રે ૫.૧૮ ટકા ફુગાવો નોંધાવ્યો હતો. દિલ્હીનો ફુગાવા દર ૩.૪૦ ટકા જેટલો નીચો હતો.