રામ મંદિર ચઢાવા ચોરી કેસ:રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Champat Rai Resigns :અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આખરે ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ થઈ ચુકી છે. રામ મંદિરના ચઢાવામાં થયેલી ચોરી અને ગેરરીતિના વિવાદ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મામલે ચાલી રહેલી રાજકીય અને ધાર્મિક નિવેદનબાજી વચ્ચે, ટ્રસ્ટ દ્વારા જ સત્તાવાર પ્રેસનોટ જાહેર કરીને, આ બંને મોટા પદાધિકારીઓના રાજીનામા મળ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
11 જુલાઈની આગામી બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય
ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રામ મંદિર પરિસરમાં બનેલી અપ્રિય અને કમનસીબ ઘટનાઓથી સમગ્ર ટ્રસ્ટ સ્તબ્ધ અને અત્યંત દુઃખી છે. તમામ રામભક્તોના પ્રતિનિધિ તરીકે આ મામલે નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે, મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા તરફથી ત્યાગપત્ર મળી ચૂક્યા છે, જેના પર ટ્રસ્ટ આગામી 11 જુલાઈએ યોજાનારી બેઠકમાં વિચારણા કરીને અંતિમ નિર્ણય લેશે. આ બેઠકમાં નવા મહાસચિવ અને નવા સભ્યની નિમણૂક અંગે પણ ચર્ચા થઈ શકે છે.
સોના-ચાંદીની ઈંટો અને દાગીના સંપૂર્ણ સુરક્ષિત
બજારમાં ચાલી રહેલી અફવાઓ પર વિરામ લગાવતા અને દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓને આશ્વાસન આપતા ટ્રસ્ટે જણાવ્યું છે કે, જે ભક્તોએ પ્રભુ શ્રી રામના ચરણોમાં સોના-ચાંદીની ઈંટો, ઘરેણાં કે અન્ય કિંમતી વસ્તુઓ ટ્રસ્ટના પદાધિકારીઓને વ્યક્તિગત રીતે સોંપી હતી, તે તમામ વસ્તુઓ લોકરમાં સંપૂર્ણ સુરક્ષિત છે, અને તેના એક-એક પૈસાનો હિસાબ ઉપલબ્ધ છે.
દાનપાત્ર ચોરી મામલે SITના રિપોર્ટ બાદ FIR
મંદિરના દાનપાત્ર (હુડી)માંથી રોકડ રકમ ગાયબ થવાની ઘટના અંગે ટ્રસ્ટે માહિતી આપી છે કે, ઉત્તર પ્રદેશ સરકારની વિશેષ તપાસ ટીમ (SIT) તરફથી એક પ્રારંભિક રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટના આધારે ટ્રસ્ટની વિનંતી પર પોલીસ પ્રશાસન દ્વારા સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધી લેવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
ભ્રામક અફવાઓથી બચવા ટ્રસ્ટની અપીલ
પ્રેસ નોટના અંતમાં ટ્રસ્ટે અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું છે કે, કેટલાક અસામાજિક અને સ્વાર્થી તત્વો આ વિવાદનો આશરો લઈને સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને કોઈ પણ ભોગે સફળ થવા દેવામાં નહીં આવે. ટ્રસ્ટે તમામ રામભક્તોને અપીલ કરી છે કે, તેઓ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાવવામાં આવી રહેલી ભ્રામક અને નિરાધાર અફવાઓથી દૂર રહે. ટ્રસ્ટને પૂરો વિશ્વાસ છે કે વિવાદના આ વાદળો ટૂંક સમયમાં હટી જશે અને સત્ય સૌની સામે આવશે.








