ભારતનો સૌથી ભારે ઉપગ્રહ ગગનમાં રવાના : ચીન-પાક.ની સરહદ પર નજર રાખશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઈસરોના નોટીબોય રોકેટ દ્વારા સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ
- આઈ ઈન ધ સ્કાય તરીકે ઓળખાતા સૌથી ભારે ૨,૩૭૬ કિલોનો સેટેલાઈટ ૩૬,૦૦૦ કિ.મી.ઊંચેથી પૃથ્વીનું પડ ફંફોસશે
બેંગલુરુ/ મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશને(ઇસરો) તેનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ - ૦૫ (ઇઓએસ - ૦૫) સફળતાપૂર્વક તરતો મૂક્યો છે. ઇઓએસ - ૦૫ સેટેલાઇટ જીઓસ્ટેશનરી સેટલેાઇટ લોન્ચ વેહિકલ - અફ-૧૭ (જીએસએલવી -એફ -૧૭) પ્રકારના રોકેટ દ્વારા ઇરોના શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી તરતો મૂકાયો છે. ઇઓએસ - ૦૫ સેટેલાઇટ અત્યારસુધીનો વજનમાં સૌથી ભારેભરખમ એટલે કે ૨,૩૬૭ કિલોગ્રામનો છે.
ઇસરોએ તેના ઇઓએસ - ૦૫ સેટેલાઇટને આઈ ઇન ધ સ્કાય એવું વિશિષ્ટ ઉપનામ આપ્યું છે. જ્યારે તેને છોડનારાં રોેકેટને નોટિબોય તરીકે ઓળખાવાયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ના ઓગસ્ટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ - ૦૩ મિશન નિષ્ફળ ગયું હતું. જોકે ઇઓએસ - ૦૫ સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયો હોવાથી ઇસરોના વિજ્ઞાાનીઓએ અને એન્જિનિયરોએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો છે.
ઇસરોના ચેરમેન ડો.વી.નારાયણને કહ્યું છે કે ઇઓએસ - ૦૫ સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયો તેની બરાબર ૧૮મી મિનિટે સબ - જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (૩૧,૦૨૬ કિલોમીટર) સુધી પહોંચી ગયો છે. હવે અમે બહુ થોડા જ દિવસોમાં સેટેલાઇટને તેની મૂળ ૩૬,૦૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં સફળતાથી ગોઠવીશું. શ્રીહરિકોટાના સ્પેસ પોર્ટ પરથી આજે ૧૦૭ મું લોન્ચિંગ સફળતાપૂર્વક તરતું મૂકાયું છે. આ જ અવકાશ મથક પરથી અત્યારસુધીમાં જીએસએલવીનાં કુલ ૧૯ મિશન્સ પણ સફળતાથી તરતાં મૂકાયાં છે.
સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયા બાદ અમને મળેલી વિગતો મુજબ સેટેલાઇટના તમામ વાલ્વ સારી રીતે કાર્યરત છે. સેટેલાઇટની બંને સોલાર પેનલ્સ(સૌર ઉર્જા મેળવવા માટેની બે પાંખ) બરાબર કામ કરી રહી છે. આમ સેટેલાઇટની સમગ્ર યંત્રણા વ્યવસ્થિત રીતે કામ કરે છે. ડો. વી.નારાયણને બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું છે કે આપણો ઇઓએસ - ૦૫ પૃથ્વીની સૌથી સ્પષ્ટ,સૌથી સુંદર, સૌથી સચોટ ઇમેજીસ( છબી) લઇ શકે તેવો અને પ્રકાશને હજારોના હિસ્સામાં વહેંચી શકે તેવો વિશ્વનો પહેલો અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો સેટેલાઇટ છે.
સરળતાથી સમજીએ તો આપણો ઇઓએસ - ૦૫ સેટેલાઇટ પૃથ્વીથી આકાશમાં ૩૬,૦૦૦ કિલોમીટના અંતરે ગોળ ગોળ ઘુમીને પૃથ્વી પરનાં પાણી, વૃક્ષ, નાના છોડવા, ખનિજ તત્વો, પ્લાસ્ટિક વગેરેની સૌથી સ્પષ્ટ અને સૌથી સચોટ છબી લઇ શકશે. વળી, આ બધી વસ્તુઓ પર પડતા પ્રકાશને પણ હજારોના હિસ્સામાં વહેંચી શકશે. આ વિશિષ્ટ પ્રક્રિયાથી જે છબી તૈયાર થશે તેનો ઇસરોના વિજ્ઞાાનીઓ ગહન અભ્યાસ કરીને તેની વિશિષ્ટતા અને ઉપયોગીતા નક્કી કરી શકશે.
ઉપરાંત, ઇઓએસ -૦૫ ની આવી વિશિષ્ટ અને અત્યાધુનિક ટેકનોલોજીથી આપણે કૃષિ, પર્યાવરણ, સમુદ્રો, નદીઓ, અનાજ, ફળ, ફૂલ વગેરેની ઇમેજીસ લઇને તેની ગતિવિધિ વિશેની ઉપયોગી માહિતી મેળવી શકીશું. સાથોસાથ કુદરતી આફતોમાં ક્યા સ્થળે કેવી પરિસ્થિતિ છે તેની સચોટ માહિતીના આધારે બચાવ કામગીરી પણ ઝડપથી કરી શકાશે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે ઇઓએસ - ૦૫ સેટેલાઇટ આપણી સરહદ અને તેની નજીકના વિસ્તારોમાં ક્યાં અને શું શું થઇ રહ્યું છે તેના પર બાજ નજર રાખશે. બીજા શબ્દોમાં કહીએ તો આ સેટેલાઇટ દ્વારા ભારતને ચીન અને પાકિસ્તાન સાથેની સરહદ પરની ગતિવિધિની તમામ સચોટ ઇમેજીસ મળશે.
ઇસરોનાં સૂત્રોએ બહુ મહત્વની માહિતી આપતાં કહ્યું છે કે ઇઓએસ - ૦૫ સેટેલાઇટમાં હાઇ - રિઝોલ્યુશન મલ્ટિ સ્પેક્ટ્રલ વીએનઆઇઆર,હાઇ-રિઝોલ્યુશન મલ્ટિ સ્પેક્ટ્રલ એડબલ્યુઆઇઆર, હાઇ - સ્પેક્ટ્રલ વીએનઆઇઆર, હાઇપર - સ્પેક્ટ્રલ એસ ડબલ્યુઆઇઆર વગેરે જેવાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતાં વૈજ્ઞાાનિક ઉપકરણો ગોઠવવામાં આવ્યાં છે.




