ભારતના જેન-ઝી: દેશના 38 કરોડ યુવાનો અને 2029ની ચૂંટણી, જાણો યુવાનો કેવી રીતે બની શકે છે ગેમ ચેન્જર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gen Z Power: Shaping India's 2029 Election: ભારતનું રાજકારણ અત્યાર સુધી મુખ્યત્વે જાતિ, ધર્મ, પ્રદેશ અને પરંપરાગત આર્થિક સમીકરણો પર રમાતું આવ્યું છે. પરંતુ 2029ની લોકસભા ચૂંટણીમાં ભારતના રાજકીય ઇતિહાસનું સૌથી મોટું વસ્તી વિષયક (Demographic) પરિવર્તન જોવા મળશે, કેમ કે 'જેન ઝી' (Gen Z) પેઢી પહેલીવાર દેશની સૌથી મોટી પુખ્ત વસ્તી બનીને ચૂંટણીનો એજન્ડા નક્કી કરવાની સીધી શક્તિ મેળવશે. જેન ઝી શું કરી શકે એ તો આપણે તાજેતરમાં જોઈ લીધું. NEET પરીક્ષા વિવાદ અને પેપર લીક સામે સોશિયલ મીડિયાથી લઈને જંતર મંતર સુધી યુવાનોએ ઉઠાવેલો મજબૂત અવાજ અને એને પરિણામે દેશના શિક્ષણ મંત્રીએ આપવું પડેલું રાજીનામું એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે આ પેઢી હવે માત્ર પ્રેક્ષક બનીને નથી રહેવાની, પણ શાસન અને પારદર્શિતા સામે સવાલો પૂછતી જાગૃત શક્તિ બની રહી છે.
2029નું આંકડાકીય ગણિત: 'જેન ઝી' વિરુદ્ધ 'મિલેનિયલ્સ'
1981થી 1996 વચ્ચે જન્મેલા બાળકોને 'મિલેનિયલ્સ' કહેવામાં આવે છે. 1997થી 2012 વચ્ચેની પેઢીને 'જેન ઝી' અને 2013થી 2024 વચ્ચેની પેઢીને 'જેન આલ્ફા' કહેવામાં આવે છે. વસ્તી વિષયક અંદાજો દર્શાવે છે કે 2029 સુધીમાં દેશમાં જેન ઝીની વસ્તી મિલેનિયલ્સ કરતાં વધી જશે, જે તેમને દેશની સૌથી પ્રભાવશાળી વોટ બેંક બનાવશે.
પેઢી | અંદાજિત વસ્તી (2029) | વિગત / વર્ગીકરણ |
જેન ઝી (Gen Z) | 38 કરોડ | 19.9 કરોડ પુરુષો અને 18.1 કરોડ સ્ત્રીઓ |
મિલેનિયલ્સ (Millennials) | 35.7 કરોડ | દેશની બીજી સૌથી મોટી પુખ્ત પેઢી |
જનરેશન આલ્ફા (Gen Alpha) | 41.7 કરોડથી વધુ | ભવિષ્યનો સૌથી મોટો યુવા વર્ગ |
જૂના સમયની તુલનામાં દેશની વસ્તી ધીમે ધીમે વૃદ્ધ થઈ રહી હોવાથી કુલ મતદારોમાં યુવાનોની ટકાવારીમાં ફેરફાર થયો છે.
- 1988: 18-29 વય જૂથનો હિસ્સો 38.3% હતો.
- 2024: આ હિસ્સો ઘટીને 30.1% થયો.
- 2029 (અંદાજિત): યુવા મતદારોનો હિસ્સો 27.8% રહેશે (એટલે કે દર 4માંથી 1 મતદાર યુવાન હશે).
ટકાવારી ઘટવા છતાં જેન ઝી આટલી પ્રભાવશાળી કેમ છે?
યુવાનોની ટકાવારીમાં ભલે થોડો ઘટાડો દેખાતો હોય, પરંતુ તેમનો રાજકીય પ્રભાવ સંખ્યા કરતાં વધુ તેમની ડિજિટલ શક્તિ પર આધારિત છે.
- ડિજિટલ પહોંચ: આ પેઢી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા સાથે ઉછરી છે. તેઓ કોઈપણ સ્થાનિક મુદ્દાને થોડા જ કલાકોમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે એક્સ (X) દ્વારા રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી શકે છે.
- જવાબદારીની માંગ: આ પેઢીમાં પ્રથમવાર મતદાન કરનારા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો અને નોકરી શોધતા યુવાનોનો સમાવેશ થાય છે. તેઓ માત્ર પોકળ વચનોથી સંતુષ્ટ થતા નથી, પરંતુ 'કેવી રીતે' અને 'ક્યારે' કામ પૂરું થશે તેની સ્પષ્ટતા માંગે છે.
2029ની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ
કરોડોની મતબેંક ધરાવતી જેન ઝી પેઢીને ઇગ્નોર કરવું હવે કોઈપણ રાજકીય પક્ષને પોસાય એમ નથી. પરંપરાગત નારાઓ છોડીને રાજકીય પક્ષોએ હવે જેન ઝીને સ્પર્શતા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
- શિક્ષણ અને પરીક્ષા સુધારણા: પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવી પડશે. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવી પડશે અને સંશોધન માળખાનો વિકાસ કરવો પડશે.
- ગુણવત્તાયુક્ત રોજગાર: નવી નોકરીઓની તકો ઉપલબ્ધ કરાવવી પડશે. કૌશલ્ય વિકાસની દિશામાં કામ કરવું પડશે.
- મોંઘવારી અને હાઉસિંગ: મોટા શહેરોમાં વધતું ભાડું, મિલકતોના ઊંચા ભાવ અને શરૂઆતી કારકિર્દીમાં રહેઠાણની સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે.
- સ્ટાર્ટઅપ્સ અને AI: સ્ટાર્ટઅપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના ક્ષેત્રમાં યુવાનોની ભાગીદારી વધારવી પડશે.
- પર્યાવરણ: ક્લાઈમેટ ચેન્જ, સ્વચ્છ ઊર્જા અને નવીન ઉદ્યોગો માટે વ્યવસ્થિત સરકારી નીતિઓ ઘડીને અમલમાં મૂકવી પડશે.
રાજકીય પક્ષો સામે બેવડો પડકાર
ભવિષ્યની સરકારોએ એકસાથે બે વિરુદ્ધ ધ્રુવ સમાન પેઢીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવું પડશે.
- એક તરફ યુવાનો (જેન ઝી અને આગામી જેન આલ્ફા) માટે રોજગાર અને શિક્ષણની તકો ઊભી કરવી પડશે, તો બીજી તરફ 45 થી 61 વર્ષ અને 62 વર્ષથી વધુ વયના વધી રહેલા વસ્તી વર્ગ માટે આરોગ્ય, પેન્શન અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે.
- રાજકીય પક્ષો તેમના ચૂંટણી ઢંઢેરામાં વચનો જાહેર કરીને ચૂંટણી જીતી જાય, એ દિવસો હવે ગયા સમજો. તેમણે એ પણ સમજાવવું પડશે કે તેઓ જે વચનો આપી રહ્યા છે તે કેવી રીતે અને ક્યારે પૂરા કરશે.
રાજકીય પક્ષોએ હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સક્રિય થઈને યુવાનો સાથે સંવાદ સાધવો પડી રહ્યો છે, એ પણ યુવા શક્તિની તાકાતની સાબિતી છે. 2029ની લોકસભા ચૂંટણી માત્ર જાતિ કે પ્રાદેશિક સમીકરણો પર નહીં, પરંતુ ભવિષ્યના અર્થતંત્ર અને યુવા આકાંક્ષાઓના આધારે લડાશે તે નિશ્ચિત છે.









