ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન રૂ. 1.8 લાખ કરોડની નવી ટોચે, નિકાસ 63 ટકા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 160 સેટેલાઇટ સ્માર્ટ હથિયારોની ખરીદીને મંજૂરી
- સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન્સ એરફોર્સને સોંપાશે, ખરીદી પાછળ આશરે ૮૧૦ કરોડનો ખર્ચ થશે
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે બુધવારે દિલ્હીમાં ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે બીડીએલ સાથે મહત્વપૂર્ણ ડીલ કરી છે. જે અંતર્ગત ભારતીય એરફોર્સ માટે ૧૬૦ સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન્સ એટલે કે એસએટી-એસએએડબલ્યુ અને અન્ય ઉપકરણોની ખરીદી કરવામાં આવશે. જેની પાછળ આશરે ૮૧૦.૭૯ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતાઓ છે. બીજી તરફ ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન વધીને ૧.૮ લાખ કરોડે પહોંચ્યું છે. જ્યારે નિકાસ પણ ૬૩ ટકા વધી છે.
નોંધનીય છે કે એસએટી-એસએએડબલ્યું એર ટૂં ગ્રાઉન્ડ પ્રિસિજન ગાઇડેડ બોમ્બ છે. જેને જગુઆર, હોક અને સુ-૩૦ એમકેઆઇ જેવા વિમાનો દ્વારા લોન્ચ કરી શકાય છે. તેની ખાસિયત છે કે તે લાંબા સ્ટેન્ડ ઓફ રેન્જથી દુશ્મનોના એરફીલ્ડને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે વિમાને દુશ્મનના વાયુ રક્ષણની હદમાં વધુ અંદર સુધી જવાની જરૂર નહીં રહે. ડીઆરડીઓ દ્વારા આ સિસ્ટમને વિકસાવાઇ છે જેનાથી એરફોર્સની ક્ષમતા વધારશે. આ હથિયારમાં ૬૦ ટકા સ્વદેશી સામગ્રી છે જેમ કે મેજરમેન્ટ યુનિટ, લોન્ગ ઇફેક્ટ ડિજે ફ્યૂઝ અને ટ્વિન સ્ટોર કેરિયર વગેરેનો સમાવેશ થાય છે. ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વિકાસ પામી રહ્યું છે, નાણાકીય વર્ષ ૨૦૨૬માં ઘરેલુ સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ ૧.૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયંુ હતું. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૫.૬ ટકા વધુ છે અને નાણાકીય વર્ષ ૨૦૨૧થી લગભગ ૧૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. સંરક્ષણ આયાતમાં પણ ૬૩ ટકાનો વધારો જોવા મળ્યો છે અને લગભગ ૩૮,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભારત હાલ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ કરી રહ્યું છે. જેમાં યુદ્ધમાં ઉપયોગી હથિયારો સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. ભારત હાલ ૮૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે. જેમાં અમેરિકા, ફ્રાન્સ, આર્મેનિયા મુખ્ય ખરીદનારા દેશો છે.




