World

ઈરાન યુદ્ધના લીધે જ રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી, US ઉપ પ્રમુખ જેડી વેન્સે ગણાવ્યા 4 કારણો

By GS Team
4 Nov 20263 mins read
TukuTouch Logo
અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું કે ઈરાન યુદ્ધને કારણે રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સ્પષ્ટ કર્યું કે ઘણા મતદારો 2024માં ટ્રમ્પ-વેન્સને મત આપી 2026માં ડેમોક્રેટને સમર્થન આપ્યું. સર્વેમાં મોંઘવારી, યુદ્ધ સમાપ્તિ અને 'અમેરિકા ફર્સ્ટ' જેવા મુદ્દાઓ પર મતદારોની નારાજગી સામે આવી. આ નિવેદન 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે મહત્વનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધના લીધે જ રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી, US ઉપ પ્રમુખ જેડી વેન્સે ગણાવ્યા 4 કારણો

JD Vance Iran War Midterm Statement: અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે બુધવારે જણાવ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ જ એ સૌથી મોટું કારણ હતું, જેના લીધે રિપબ્લિકન પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. વેન્સે સ્પષ્ટ કર્યું કે પાર્ટીના સમર્થકો મતદાન મથકો સુધી તો પહોંચ્યા, પરંતુ મોટી સંખ્યામાં એવા મતદાતાઓ હતા જેમણે 2024માં ટ્રમ્પ-વેન્સને વોટ આપ્યો હતો અને 2026માં ડેમોક્રેટ ઉમેદવારોનો સાથ આપ્યો.

સોશિયલ મીડિયા પર કરેલી લાંબી પોસ્ટમાં વેન્સે કહ્યું-

અમારી હારનું કારણ યુદ્ધ છે. ખુદ રાષ્ટ્રપ્રમુખે પણ ગઈ કાલે રાત્રે આ જ વાત કહી હતી. દરેક વ્યક્તિ જાણે છે કે અમે શા માટે હાર્યા અને આગળની કોઈપણ ઈમાનદાર ચર્ચા આ જ સત્યથી શરૂ થવી જોઈએ.

વેન્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રિપબ્લિકન પાર્ટી ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી રહી છે અને 2028ની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી માટેની રાજકીય પૃષ્ઠભૂમિ પણ તૈયાર થવા લાગી છે. માનવામાં આવે છે કે વેન્સ પોતાની જાતને ઈરાન યુદ્ધથી દૂર રાખીને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરીમાં શરૂ કરાયેલા સૈન્ય અભિયાનને લઈને તેઓ પહેલેથી જ સંપૂર્ણપણે આશ્વસ્ત ન હતા.

'અમારા વોટર્સ આવ્યા, પરંતુ અમારી સાથે ન રહ્યા'

વેન્સે પોતાની પોસ્ટમાં ચૂંટણી આંકડાઓનો હવાલો આપતા કહ્યું કે ચૂંટણી પહેલાં તેમની ટીમ વોટર ટર્નઆઉટ અને કમ્પોઝિશનનું સતત વિશ્લેષણ કરી રહી હતી. શરૂઆતી આંકડાઓ પરથી લાગતું હતું કે રિપબ્લિકન મતદાતાઓ સારી સંખ્યામાં વોટ આપવા નીકળી રહ્યા છે. એક ડેટા નિષ્ણાતે તેમને પહેલેથી જ ચેતવણી આપી હતી કે રિપબ્લિકન સમર્થકો મતદાન તો કરશે, પરંતુ તેમનામાંથી ઘણા પાર્ટીથી નારાજ છે અને વિપક્ષને વોટ આપી શકે છે. આ જ વાત ચૂંટણી પરિણામોમાં જોવા પણ મળી. ફ્લોરિડા જેવા રાજ્યોમાં રિપબ્લિકન સમર્થકોની ભાગીદારી મજબૂત રહી, પરંતુ આમ છતાં પાર્ટીને અપેક્ષિત સફળતા ન મળી.

સર્વેમાં સામે આવ્યા નારાજગીના 4 મોટા કારણો

વેન્સે એક અનુભવી ચૂંટણી વિશ્લેષકનો હવાલો આપતા કહ્યું કે તેમના સર્વેમાં એવા મતદાતાઓને પૂછવામાં આવ્યું હતું જેમણે 2024માં ટ્રમ્પ-વેન્સને વોટ આપ્યો હતો પરંતુ આ વખતે રિપબ્લિકન ઉમેદવારોથી અંતર જાળવી રાખ્યું. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કઈ પરિસ્થિતિઓમાં ફરીથી રિપબ્લિકન પાર્ટીનું સમર્થન કરી શકે છે.

સર્વેક્ષણમાં 4 મુખ્ય કારણો સામે આવ્યા

  • યુદ્ધ સમાપ્ત કરવામાં આવે
  • મોંઘવારી અને જીવન-નિર્વાહના ખર્ચ પર ધ્યાન આપવામાં આવે
  • 'અમેરિકા ફર્સ્ટ' નીતિને પ્રાથમિકતા આપવામાં આવે
  • ઈઝરાયલ સાથેના સંબંધોની વર્તમાન દિશા પર પુનર્વિચાર કરવામાં આવે

વેન્સે કહ્યું કે આ જ એવા મુદ્દા છે જેમણે મોટી સંખ્યામાં રિપબ્લિકન મતદાતાઓને પાર્ટીથી દૂર કરી દીધા.

'વાસ્તવિક કારણને નજરઅંદાજ કરી શકાય નહીં'

વેન્સે પોતાની પોસ્ટમાં એ પણ કહ્યું કે આગામી મહિનાઓમાં પાર્ટીની હારના ઘણા અલગ-અલગ કારણો બતાવવામાં આવશે અને રાજકીય ચર્ચા ઝડપી બનશે. જોકે તેમના મતે વાસ્તવિક કારણને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે લખ્યું, "જો કોઈ એવો તર્ક આપવા માંગતુ હોય કે યુદ્ધ જરૂરી હતું અને તેના બદલામાં સિનેટ પર આગામી 6 વર્ષનું નિયંત્રણ ગુમાવવું પણ મંજૂર છે, તો ઓછામાં ઓછી ઈમાનદારીથી આ વાત કહે. પરંતુ એ કહેવાનો પ્રયાસ ન કરવામાં આવે કે હારનું કારણ કંઈક બીજું હતું."

મતદાતાઓની નારાજગીનો સ્વીકાર

અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે દેશના ભવિષ્યને લઈને તેઓ હજુ પણ આશાવાદી છે. તેમણે એ મતદાતાઓની નારાજગીનો સ્વીકાર કરતા કહ્યું કે જેમણે પહેલેથી ચેતવણી આપી હતી, તેઓ સાચા સાબિત થયા. હવે જરૂરિયાત એ વાતની છે કે એ જ ઊર્જા સાથે એવા રિપબ્લિકન નેતાઓને ચૂંટવામાં આવે જે મતદાતાઓના વિચાર અને પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે.